કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવાયો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યાં છે. મોતના આંકડાઓ પણ વધતાની સાથે જ લોકોમાં એક ભયનો માહોલ ફેલાયો છે ત્યારે આ સ્થિતિને રોકવા અને ઝડપથી કોરોનાના સંક્રમણને અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા.30 એપ્રીલ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તમામ શનિ-રવિ બંધ જ રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ ના જણાવ્યા મુજબ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત તમામ વિભાગો, ભવનો, સેન્ટરો, ચેર્સ, હોસ્ટેલ્સ આગામી તા.30 એપ્રીલ સુધી તમામ શનિ-રવિવાર બંધ રહેશે. આ ઉપરાંત હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કવોકેશન હોલ ખાતે ઓક્સિજન સાથેના 400 જેટલા બેડની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આગામી 2 થી 3 દિવસ બાદ ઓક્સિજન બાટલા સાથેના બેડો તૈયાર થઈ જશે અને જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ રાજકોટની નર્સીંગ કોલેજ અને હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ પેરા મેડિકલ સ્ટાફ તરીકે ઉપલબ્ધ રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જરૂર પડ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ડોર સ્ટેડિયમમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. જ્યાં 50 થી વધુ જેટલા બેડો તૈયાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.