જનરલ બેઠક પર ભાજપ તરફથી ડો.નેહલ શુકલ, ડો.ભાવીન કોઠારી, ડો.ગીરીશ ભીમાણી અને પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે ફોર્મ ભર્યું: કોંગ્રેસમાંથી હરદેવસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું
ટીચર્સની એક બેઠક પર ડો.મેહુલ રૂપાણી બિનહરીફ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટની ચુંટણીમાં ભાજપનો દબદબો રહેશે તે નકકી છે. સિન્ડીકેટની ચુંટણીમાં ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે જનરલની ચાર બેઠક પર ભાજપના ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. જેમાં ડો.ભાવીન કોઠારી, ડો.નેહલ શુકલ, ડો.ગીરીશ ભીમાણી અને ડો.પ્રતાપસિંહ ચૌહાણે ફોર્મ ભર્યું છે તો એક બેઠક કોંગ્રેસના હરદેવસિંહ જાડેજાએ દાવેદારી નોંધાવી છે. ટીચર્સની એક બેઠક પર ડો.મેહુલ રૂપાણી બિનહરીફ થાય તેવી પુરેપુરી શકયતા હાલ લાગી રહી છે.
બીજી તરફ પ્રિન્સીપાલની ૨ સીટ પર ધરમ કામલીયા અને પ્રજ્ઞેશ જોષીએ કોંગ્રેસ તરફથી દાવેદારી નોંધાવી છે. જયારે વિજયભાઈ ભટાસણાએ ભાજપ તરફથી દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત હેડની ૧ સીટ પર રાજકોટના હાલના ઈતિહાસ ભવનના વડા પ્રફુલ્લાબેન રાવલે ઉમેદવારી નોંધાવી છે. આ સીટ પણ બિનહરીફ થવાની પુરી શકયતા સેવાઈ રહી છે. જયારે બોર્ડ ઓફ એકાઉન્ટની બેઠક ઉપરથી લીલા કડછા, ક્રિપાલસિંહ પરમાર અને ડો.રાજદીપસિંહ જાડેજા અને જયદીપસિંહ ડોડીયાએ પણ પોતાની ઉમેદવારી ફોર્મ યુનિવર્સિટીમાં રજુ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટની ચુંટણી આગામી ૧૩મેના રોજ યોજાનાર છે. અગાઉથી જ શિક્ષકની અને હેડની સીટ બિનહરીફ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પ્રિન્સીપાલ અને બોર્ડ ઓફ એકાઉન્ટની ત્રણ બેઠકો પર રસાકસીના એંધાણ છે. જોકે જનરલની ૫ સીટ ભાજપના નામે અને ૧ સીટ કોંગ્રેસે બાજી મારી છે. ભાજપનો આ વખતે પણ દબદબો રહ્યો છે. આ ચુંટણીથી ઉચ્ચ શિક્ષણ જગતમાં રાજકીય ગરમાવો પ્રસરી જવા પામ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com