24મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ: ઉમેદવારી પત્ર 22મી એપ્રીલ સુધી પરત ખેંચી શકાશે અને 24મી એપ્રિલે ઉમેદવારોના નામની યાદી જાહેર થશે

મે માં યોજાનારી સિન્ડીકેટની ચૂંટણીને લઈ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે ત્યારે જનરલ, આચાર્ય, ટીચર્સ સહિતની જુદી જુદી બેઠક પર કોને લડાવવા તેને લઈને આવેલા જુદા જુદા નામોની આખરી યાદી તૈયાર થઈ ગઈ છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આગામી 18 મે ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે બપોરે 1 થી 3:30 દરમિયાન સિન્ડીકેટની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્ર સ્વીકારવાનો છેલ્લો દિવસ 21 એપ્રીલ છે. ઉપરાંત ઉમેદવારી પત્ર પાછો ખેંચવાનો છેલ્લો દિવસ 22 એપ્રીલ અને ત્યારબાદ 24મી એપ્રીલના રોજ સિન્ડીકેટના તમામ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવશે. સિન્ડીકેટની ચૂંટણીનું પરિણામ પણ મતદાનના દિવસે જ જાહેર થઈ જશે. 15 સિન્ડીકેટોનું ભાવી નક્કી થશે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે સંલગ્ન કોલેજોમાંથી સિન્ડીકેટની ચૂંટણી લડવા ઈચ્છતા અનેક શિક્ષણવિદોએ પ્રદેશ ભાજપ સુધી પોતાની વાત પહોંચાડી છે. જો કે મોટાભાગે સિન્ડીકેટના નામ ફાઈનલ થઈ ગયા છે. આચાર્યની બેઠક પર રાજેશ કાલરીયા અને ટીચર્સની બેઠક પર ડો.મેહુલ રૂપાણીનું નામ ફાઈનલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત અનેક મુરતીયા મેદાને પડ્યા છે. જામનગર વિમલ કગથરા, હરિવંદના કોલેજના મહેશભાઈ ચૌહાણ, હોમ સાયન્સ ભવનના વડા ડો.નિલાંબરીબેન દવે, ડો.કલાધર આર્ય, સહકારી ક્ષેત્રના અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતાના પુત્ર એવા આર્કિટ્રેકચર ફેકલ્ટીના અધર ધેન ડીન રાહુલભાઈ મહેતા, ગીતાંજલી કોલેજના શૈલેષભાઈ જાનીનું નામ ચર્ચામાં છે.સિન્ડીકેટની જનરલ બેઠક પર કોંગ્રેસમાંથી હરદેવસિંહ જાડેજા જ્યારે ભાજપના ડો.ભરત રામાનુજ, ડો.ભાવિન કોઠારી, ડો.ગીરીશ ભીમાણી અને નેહલ શુકલની સંભાવના રહેલી છે.

આ ઉપરાંત આચાર્યની બેઠક પર ડો.ધરમ કાંબલીયા સામે ભાજપના રાજેશ કાલરીયાનું નામ ચર્ચામાં છે. જ્યારે ટીચર્સની બેઠક પર ડો.મેહુલ રૂપાણીને ફરી તક આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 15 સિન્ડીકેટ સભ્યોની સાથે ડીન અને અધર ધેન ડીનના 28 સભ્યોની પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જનરલની 5 બેઠક, પ્રિન્સીપાલની 2, ટીચર્સની 1, ભવનના વડાની 1, સરકાર નિયુક્ત 4 અને એકેડેમીક કાઉન્સીલ ટુ સિન્ડીકેટ  એમ કુલ 15 બેઠક પર નવા સિન્ડીકેટની ચૂંટણીની નિયુક્તિ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.