જુદી-જુદી ઇવેન્ટમાં પ્રથમ, દ્વિતીય અને તૃત્તિય ક્રમે વિજેતા થતા ખેલાડીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવશે: કાયેકારી કુલપતિ ડો. કમલ ડોડિયા સહિતનાં ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા તેમજ નિવૃત્ત શારીરિક શિક્ષણ અધ્યાપકોનુ સન્માન કરવામાં આવ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી ત્રણ દિવસ સુધી 53માં વાર્ષીક ખેલકૂદ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. આજથી શરૂ થયેલા ખેલકૂદ મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન 70 કોલેજના 1800થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો છે.ત્રણ દિવસ દરમિયાન દોડ, કૂદ અને ફેંકની અલગ-અલગ ઇવેન્ટ ભાઈઓ અને બહેનો માટે યોજવામાં આવશે. નેશનલ કક્ષાએ યોજાતી ટુર્નામેન્ટની માફક જ આ એથ્લેટિક્સ ઇવેન્ટ યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનથી લઈને ઇવેન્ટ પૂર્ણ થયા બાદ તેજ સ્થળે મેડલ સેરેમની થશે. પ્રેક્ષકો માટેની પણ ગેલેરી રાખવામાં આવશે, જેમાં આ વખતે 3 નવી ઇવેન્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ વર્ષે પ્રથમ વખત સ્પર્ધકો માટે ભોજન અને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી સ્પર્ધકોના પર્ફોમન્સને કોઈ અસર ન થાય. યુનિવર્સિટીને પણ આશા છે કે, આ વખતે એથ્લેટિક્સ ઇવેન્ટમાં અનેક નવા રેકોર્ડ બનશે.આજે સવારે 7 વાગ્યાથી ઇવેન્ટ શરૂ થઈ હતી,
જ્યારે ઓપનિંગ સેરેમની સવારે 10 વાગ્યે યોજાઈ હતી. જેમાં કાયેકારી કુલપતિ ડો. કમલ ડોડિયા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ નિવૃત્ત શારીરિક શિક્ષણ અધ્યાપકોનુ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થતા ખેલાડીઓને તે જ સ્થળે અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવશે. નેશનલ કક્ષાની સ્પર્ધામાં જે પ્રકારનું માહોલ હોય તે પ્રકારના માહોલમાં જ એથ્લેટિક્સ ટુર્નામેન્ટ યોજવામાં આવશે, જેથી આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓ અને બાદમાં ખેલો ઇન્ડિયા ઉપરાંત આ વખતે વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ સુધી પહોંચી શકે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.
તમામ સ્પર્ધામાં વધુ ને વધુ ખેલાડીઓ આગળ આવે તેવા સૌ.યુનિ.ના પ્રયાસો: ડો.હરીશ રાબા
અબતક સાથેની વાતચીત દરમિયાન હરીશ રાબાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા 53મો ખેલ કુદ મહોત્સવમાં 70થી વધુ કોલેજના 1800થી વધારે ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે.ખાસતો ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે અને તે શારીરિક અને માનસિક રીતે મજબૂત બને માટે આ રમતો ખુબ જ જરૂરી છે.આજના સમયમાં ખેલાડીઓ કે વિદ્યાર્થીઓ મોટાભાગનો સમય ફોનમાં આપે છે સવારમાં જાગી અને ખેલાડી બે કલાક ગ્રાઉન્ડમાં આપે તો તેનું માનસિક સંતુલન પણ ખૂબ સારું રહે ખેલકૂદ મહોત્સવમાં પસંદ ખેલાડીઓ ઓલ ઇન્ડિયા રમવા જશે અને ઓલ ઇન્ડિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ વર્ષે પર્ફોર્મન્સ સારું રહેશે એવું અત્યારથી તૈયારી કરી રહ્યા છીએ.
અગાઉ રાજ્યકક્ષાની દોડ સ્પર્ધામાં વિજેતા બન્યો હતો: કશ્યપ સાંગાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન ખેલાડી કશ્યપ સંગાણીએ જણાવ્યુ હતું કે, હું શાંતિનિકેતન કોલેજમાં અભ્યાસ કરૂં છું. હું છેલ્લા સાત આઠ વર્ષથી દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. અલગ અલગ રાજ્યમાં પણ દોડ સ્પર્ધામાં ભાગ લઈ અને વિજેતા બન્યો છું. વહેલી સવારે જાગી અને દોડની પ્રેક્ટિસ કરતો હોઉં છું.
નેશનલ લેવલે રમી સૌ.યુનિ.નું ગૌરવ વધારીશ: કોશિયા હેલી
અબતક સાથેની વાતચીત દરમિયાન કોશિયા હેલીએ જણાવ્યું હતું કે, હું મહિલા કોલેજમાં અભ્યાસ કરૂં છું. છેલ્લા ચાર વર્ષથી દોડની પ્રેક્ટિસ કરૂં છું.આજે યુનિવર્સીટી ખાતે ખેલકૂદ મહોત્સવમાં ભાગ લીધો છે અને મને વિશ્વાસ છે કે હું જીતીશ અને આગળ જઈ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું નામ રોશન કરીશ અને ખાસ તો મારા પરિવારનો ખુબ સારો સપોર્ટ મળી રહ્યો છે.