સેનેટની ૨૪ બેઠકની ચૂંટણી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની ક્વાયત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી આગામી ૯મી એપ્રિલે યોજાનાર હોય ચૂંટણી સંબંધિત કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વર્તમાન સેનેટની મુદ્દત આગામી ૨૨મી મેના રોજ પુરી થતી હોવાથી તે પહેલા સેનેટનું નવુ માળખુ રચવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ક્વાયત હાથ ધરવામાં આવી છે.
સૌરાષ્ટ્રયુનિવર્સિટીની હાલની સેનેટની મુદ્દત આગામી ૨૨ મેના રોજ પૂરી થઇ રહી છે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આગામી ૯મી એપ્રિલે સેનેટની ચૂંટણી યોજવા કવાયત ચાલી રહી છે અને તેના ભાગરૂપે મતદારયાદીમાં કોઇ ક્ષતિ રહી ગઇ હોય કે નામમાં સુધારા-વધારા કરવાના હોય તો ૧૪મી માર્ચ સુધીમાં ઓનલાઇન સુધારો કરવા
રજિસ્ટ્રાર ડો.ધિરેન પંડ્યાની યાદીમાં જણાવાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.ધિરેન પંડ્યાએ કોલેજ શિક્ષકોની મતદારયાદી પ્રસિધ્ધ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને મતદાર યાદીમાં શિક્ષકોને પોતાના નોંધાયેલા નામમાં કોઇ ક્ષતિ, ભૂલ જણાતી હોય તો તે અંગે સંસ્થાને વડા પોતાના હોદ્દાની રૂએ અગાઉ આપવામાં આવેલા આઇ.ડી. પાસવર્ડનો ઉપયોગ કરી શિક્ષકની નોંધણીમાં સુધારો કરાવી શકશે. ઉપરાંત મતદાર યાદીમાં ક્ષતિ,ભૂલ હોય અને સુધારો કરવો જરૂરી જણાતો હોય તો તે અંગેની વિગતે અરજી માન્ય કુલપતિને સંબોધીને કુલસચિવ, સામાન્ય વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટને તા.૧૪ માર્ચ સુધીમાં રૂબરૂ કે ટપાલ મારફત મોકલી આપવા જણાવાયું છે. નોંધનીય છે કે, ૨૨ એપ્રિલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની મુદ્ત પૂરી થાય છે ત્યારે સેનેટની ચૂંટણી માટે યુનિવર્સિટીના સત્તાધિશોએ તૈયારી શરૂ કરી દીધી છે. વર્તમાન બોડીની મુદત ૨૨મીએ પૂરી થાય છે.
૧૩ વિદ્યાશાખાની ૨૪ બેઠકોની યોજાશે ચૂંટણી જેમાં વિનિયનની૪, વિજ્ઞાનની ૩, કાયદાની ૨, તબીબી ૩, વાણિજ્ય ૨, શિક્ષણ ૨, ગ્રામવિદ્યા ૨, હોમ સાયન્સ ૧, હોમિયોપેથી ૧, આર્કિટેક્ચર ૧, બિઝનેસ મેનેજમેન્ટ ૧, ફાર્મસી ૧ અને પરફોર્મિંગ આર્ટસની ૧ બેઠકનો સમાવેશ થાય છે.