જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજની હોસ્ટેલમાં અડધી રાત્રે ઈન્ટ્રોડકશનના નામે 28 વિદ્યાર્થીઓનું રેગિંગ
15 સિનિયર વિદ્યાર્થીઓ સામે આરોપ એન્ટીરેગિંગ કમિટી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામા આવી
કોલેજોમાં રેગિગ કમિટી પણ મીટીંગ મળતી નથી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોટાભાગની કોલેજોમાં રેગિગ કમિટી તો છે પરંતુ જ્યારે રેગિગની ફરિયાદ આવે ત્યારે જ રેગિગ કમિટી સફાળી જાગતી હોય તેમ તપાસ હાથ ધરે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અવારનવાર નાના મોટા રેગિગની ઘટના બનતી હોય છે ત્યારે હવે સમય આવી ગયો છે આ મામલે કોલેજો જાગૃત બને અને વિદ્યાર્થીઓને પણ આવી ઘટના થાય ત્યારે શું કરવું શું ના કરવું તેના અંગે માર્ગદર્શન આપે.
જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 28 જેટલા વિદ્યાર્થીઓનું કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાયું હોવાની ફરિયાદ ઉઠતા ખળભળાટ મચ્યો છે. વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ કોલેજ દ્વારા સમગ્ર મામલો એન્ટીરેગિંગ કમિટીને સોંપી દેવામા આવ્યો છે. એન્ટીરેગિંગ કમિટીના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓની નિવેદન લેવાની શરૂઆત કરવામા આવી છે. સંભવિત આજે મોડી સાંજે અથવા આવતીકાલ સુધીમાં કમિટી તેનો તપાસ રિપોર્ટ સુપરત કરે તેવી સંભાવના છે.
બીજા વર્ષના 28 વિદ્યાર્થીઓએ રેગિંગની ફરિયાદ કરી
સરકારી ફિઝિયોથેરાપી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 28 જેટલા વિદ્યાર્થીઓએ રેગિંગની ફરિયાદ કરી હતી. કોલેજમાં અભ્યાસ કરતા ત્રીજા, ચોથા વર્ષના અને માસ્ટરના 15 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રાત્રિના સમયે તેઓને બોલાવી ઈન્ટ્રોડકશન કરાવાતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદ બાદ એન્ટીરેગિંગ કમિટીને તપાસ સોંપાઈ
સરકારી ફિઝીયોથેરાપી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 28 જેટલા વિદ્યાર્થીઓની ફરિયાદની ગંભીરતાને ધ્યાન પર લઈ કોલેજ પ્રશાસન દ્વારા તાબડતોડ સમગ્ર મામલાની તપાસ એન્ટી રેગિંગ કમિટીને સોંપવામા આવી છે. એન્ટી રેગિંગ કમિટીના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓના નિવેદન લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
કમિટિના રિપોર્ટ બાદ પગલા લેવાશે
સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે હાલ દિનેશ સોરાણી ફરજ બજાવી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, સોમવારે વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ અંગે ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક એન્ટીરેગિંગ કમિટીની મિટીંગ બોલાવવામા આવી હતી. આ મામલાની તપાસ માટે ટીમની રચના કરી તપાસ સોંપવામાં આવી છે. સમગ્ર મામલે અમારી વડી કચેરીને પણ વાકેફ કરવામા આવી છે. યુજીસના નિયમ પ્રમાણે કમિટીના રિપોર્ટ બાદ પગલાં લેવામા આવશે.
એન્ટીરેગિંગ કમિટીમાં કોનો કોનો સમાવેશ?
એન્ટીરેગિંગ કમિટના સભ્ય ડો. દિનેશ સોરાણી, ડો. કરિશ્મા જગડ, ડો જય સાતા, ડો. નિધી કોટેચા, ડો. હિરલ પંડ્યા, પત્રકાર ગિરીશ ગણાત્રા, ડેપ્યુટી કલેકટર અને ડીવાયએસપીને સમગ્ર મામલાથી વાકેફ કરવામાં આવ્યા છે. આ મામલાની તપાસ માટે ડો. કરિશ્મા જગડ, ડો. જય સાતા અને પત્રકાર ગિરીશ કોટેચાની સ્પેશિયલ કમિટી રચવામાં આવી છે. જેઓ દ્વારા હાલ વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. નિવેદન લીધા બાદ કમિટી તેનો તપાસ રિપોર્ટ સુપરત કરશે ત્યારબાદ જો કોઈ દોષિત જણાશે તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી થશે તેમ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલે જણાવ્યું હતું.
રેગીંગ સાબિત થાય તો શું સજા ?
નિયમ મુજબ જો રેગીંગ સાબિત થાય તો તેમાં અનેક જોગવાઈઓ છે, જેમાં દરેક પ્રકારના રેગીંગની અલગ અલગ સજા છે. જેમાં કોલેજમાંથી સસ્પેન્ડ કરવા, કોલેજમાંથી રજા આપવી, પ્રતિબંધ મૂકવો, પરીક્ષા ન દેવા દેવી, રિઝલ્ટ અનામત રાખવું તેમજ અન્ય કોઈપણ કોલેજમાં પ્રવેશ ન મળે તેવી પણ જોગવાઈ એન્ટી રેગીંગ કમિટી પાસે છે.