કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા ડો.નિદત બારોટની ગઈકાલે કાર્યકારી કુલપતિને રજુઆત બાદ આજે એબીવીપીએ ડો.કમલ ડોડીયાને પાઠવ્યું આવેદન
સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં શનિવારે એમબીબીએસના વિદ્યાર્થીને બે વિષયમાં પાસ કરાવવા માટે કલાર્કે રૂ.૨.૫૦ લાખની લાંચ માંગ્યાનો વિડીયો વાયરલ થયા બાદ તેના ઘેરા પડઘા શિક્ષણજગતમાં પણ પડયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હોમિયોપેથી પ્રવેશ કૌભાંડ હજુ ચાલી રહ્યું છે.
ત્યારે મેડિકલમાં પાસ કરાવવા માટે નાણા પડાવવાના કૌભાંડમાં ગઈકાલે કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા નિદત બારોટ દ્વારા કાર્યકારી કુલપતિ સમક્ષ કડક કાર્યવાહી કરવાની રજુઆત કરવામાં આવી છે ત્યારે આજે રાજકોટ એબીવીપી દ્વારા આ બાબતની તપાસ થાય અને કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવા તપાસ સમિતિની રચના માટે પણ માંગ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર દુધરેજ રોડ ઉપર આવેલ સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીને બે વિષયમાં કેટી આવી હતી. આથી આ વિદ્યાર્થી કોલેજના કલાર્ક પાસે ગયો હતો. કોલેજના કલાર્ક દ્વારા આ વિદ્યાર્થી પાસેથી એક વિષયના ૧.૨૫ લાખ પાસ થવા માટે એમ બે વિષયના ૨.૫૦ લાખ માંગ્યા હતા.
જેનો વિડીયો વાયરલ થયા બાદ સામે આવ્યું હતું કે, નાણા માંગતો શખ્સ કોલેજનો કલાર્ક નિમેષ મકવાણા જ હતો. કોલેજના સંચાલકોએ તો એ કલાર્કનો અંગત મામલો હશે તેમ કહીને હાથ ઉંચા કરી દીધા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા અને આજે એબીવીપીની રજુઆત બાદ મેડિકલ કૌભાંડ મામલે તપાસ સમિતિ રચવાનું કાર્યકારી કુલપતિ ડો.કમલ કોડીયાએ જણાવ્યું હતું અને સમગ્ર કૌભાંડ મામલે આજે કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયા દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com