3 દિવસ દરમિયાન પ્રોફેસર 3 સિન્ડીકેટ સભ્ય અને 30થી વધુ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા: લોહીના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકલાયા
વિશ્ર્વના 12 દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. વિદેશમાંથી આવતા નાગરિકોને હાલ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ગત રવિવારે યુ.કે.થી રાજકોટ પરત ફરેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હોમક્વોરન્ટાઇન થયા વિના જ ફરજ પર લાગી ગયા હોવાની ઘટના સામે આવતા આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા પ્રોફેસર ડો.ડી.જી. કુબેરકર અને તેમના ધર્મપત્નીને 7 દિવસ માટે હોમક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. બંનેના લોહીના સેમ્પલ લઇ કોરોના પરિક્ષણ માટે મોકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ રહ્યુ છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો.દિનેશ ગણેશ કુબેરકર પોતાની ધર્મપત્ની સાથે એક મહિના માટે યુ.કે. પ્રવાસે ગયા હતા. તેઓ ગત 4 તારીખે ભારતમાં અને રવિવારે રાજકોટમાં પરત ફર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકાને મોકલવામાં આવતી વિદેશી નાગરિકોની યાદીમાં આ પ્રોફેસરનું નામ ન હોવાના કારણે તેઓએ હોમક્વોરન્ટાઇન કરવામાં આવ્યા ન હતા. દરમિયાન બીજા જ દિવસે એટલે કે સોમવારથી ડો.કુબેરકર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરજ પર હાજર થઇ ગયા હતાં અને તેઓ બે દિવસ દરમિયાન 3 સિન્ડીકેટ સભ્યો અને 30થી વધુ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા હતાં.
હાલ ઓમિક્રોન વેરિએન્ટને લઇને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન મુજબ વિદેશથી આવતા નાગરિકોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવે તો પણ તેઓએ ફરજીયાત પણે 7 દિવસ સુધી હોમક્વોરન્ટાઇન રહેવું પડે છે. રાજ્ય સરકાર દ્વારા મોકલેલી યાદીમાં પ્રોફેસર કુબેરકરનું નામ ન હતું અને પ્રોફેસરને પણ કોરોનાની નવી ગાઇડલાઇનનો ખ્યાલ ન હોવાના કારણે વિદેશથી પરત ફર્યાના ત્રીજા દિવસે ફરજ પર હાજર થઇ ગયા હતાં. દરમિયાન આજે આરોગ્ય શાખા દ્વારા તાત્કાલિક અસરથી પ્રોફેસર કુબેરકરને તેઓના કાલાવડ રોડ સ્થિત નિવાસસ્થાને હોમક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
તેઓ અને તેમની ધર્મપત્નીના લોહીના નમૂના લઇ કોરોના પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા છે. આગામી શનિવારે વધુ એક વખત તેઓના બ્લડના સેમ્પલ લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ જ્યારે યુ.કે.થી પરત ફર્યા ત્યારે કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને હાલ તેઓને કોઇ શંકાસ્પદ લક્ષણો જણાતા નથી. છતાં કોરોનાની નવી ગાઇડલાઇનના પાલન અને તકેદારી માટે તેમને હોમક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.