સિન્ડીકેટમાં નવી કોલેજોની મંજૂરીનો થશે નિર્ણય: એસ્ટેટ કમિટીની બેઠકમાં સ્વીમીંગ પુલ સહિતના બાંધકામોના થર્ડ પાર્ટી ઈન્સ્પેકશનનો રિપોર્ટ ખુલશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી ઓગષ્ટ માસથી અલગ અલગ બેઠકોનો દૌર શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે યુનિવર્સિટીમાં પાંચમીએ ફાયનાન્સ કમીટીની બેઠક, છઠ્ઠીએ એસ્ટેટ કમીટીની બેઠક અને ૧૩મીએ સિન્ડીકેટની બેઠક યોજવામાં આવશે. જો કે, હજુ સુધી આ ત્રણેય બેઠકમાંથી એક પણ બેઠકનો એજન્ડા નકકી થયો નથી. અને આ વખતની ત્રણે-ત્રણ બેઠકમાં જોરદાર તડાફડી બોલે તેવા સંકેતો પણ મળી રહ્યાં છે. આ ઉપરાંત અમુક ચાલુ કામો કોઈપણ કારણ વીના બંધ કરી દેવાના મુદ્દે પણ સિન્ડીકેટમાં ઉઠે તેવી સંભાવના સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી ઓગષ્ટ માસથી પાંચમીએ ફાયનાન્સ કમીટીની બેઠક મળનાર છે. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરીને અમુક કામોના બિલને બહાલી આપવામાં આવશે તેમજ છઠ્ઠીએ મળનારી એસ્ટેટ કમીટીની બેઠકમાં છેલ્લા ઘણા સમયી વિવાદમાં ચાલી રહે. સ્વીમીંગ પુલ અને ૧૦ મીટર શુટીંગ રેન્જની કામગીરીનું થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન થયું હોય તેનો રિપોર્ટ ખોલવામાં આવશે. તેમજ યુનિવર્સિટીના અન્ય બાંધકામોમાં નેનો સાયન્સ બિલ્ડીંગ, ટ્રાન્ઝીસ્ટ હાઉસ અને સીસીડીસીની અધ્યતન સુવિધાવાળી લાઈબ્રેરીના બાંધકામ વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
ફાયનાન્સ અને એસ્ટેટ કમીટીની બેઠક બાદ ૧૩મીએ સિન્ડીકેટની બેઠક મળશે. જેમાં આ વખતે ખાસ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને મંજૂરી આપવી કે નહીં તેના પર નિર્ણય લેવામાં આવશે. ગત બીયુટીની બેઠકના એજન્ડામાં કુલ ૫૯ જેટલી કોલેજના નવા કોર્ષ માટેની મંજૂરી હતી ત્યારબાદ નીટ કમીટીની બેઠકમાં ઘણી બધી કોલેજો શરૂ કરવા માટે દરખાસ્તો આવી હતી અને ૩૬ જેટલી પીજી કોલેજોને રિન્યુઅલ મંજૂર કરવામાં આવ્યા હતા અને ૩ જેટલી ડેન્ટલ પીજી કોર્ષને મંજૂરી આપવામાં આવી હતી. હવે વધારાની કેટલી કોલેજોને મંજૂરી આપવી તેનો નિર્ણય આગામી ૧૩મી ઓગષ્ટે મળનારી સિન્ડીકેટની બેઠકમાં લેવામાં આવશે.