નેકની ટીમે ઈન્સ્પેકશન દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કહેલું કે, યુનિવર્સિટીએ ગમે તેટલા સંશોધન કર્યા હોય પરંતુ તે સમાજ ઉપયોગી ન થાય કે તેની પેટન્ટ ન બને ત્યાં સુધી તેનો કોઈ મતલબ જ નથી. નેકના સુચનને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ગંભીરતાથી લીધુ હોય તેમ તાજેતરમાં જ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ભવનના પ્રા.ડો.રંજનબેન ખુંટ દ્વારા બે પેટન્ટ ફાઈલ તૈયાર કરવામાં આવી હતી. આ બંને ફાઈલને ઈન્ડિયન પેટન્ટન ઓફિસ દ્વારા મંજૂરી મળી છે. આ પેટન્ટને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તો ફાયદો થશે જ સાથે સાથે નેકના ઈન્સ્પેકશન વખતે પણ યુનિવર્સિટીને ગ્રેડમાં પણ ફાયદો થઈ શકે તેમ છે. આ બન્ને પેટન્ટન સમાજમાં ઉપયોગી થાય તેવી છે. તેમાં ‘કોમાન ડેરીવેટિઈઝ’ તો કેન્સર વિરોધી દવા બનાવવામાં ખાસ ઉપયોગી નિવડી શકે તેમ છે.
સૌ.યુનિ.ના કેમિસ્ટ્રી ભવનના પ્રાધ્યાપક ડો.રંજનબેન ખુંટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા એકથી દોઢ વર્ષ દરમિયાન અમે ડાઈંગ ક્ષેત્ર અને કેન્સર વિરોધી દવા બનાવવામાં ઉપયોગી થનાર વસ્તુઓ પર રિસર્ચ કરતા હતા. ત્યારે આ બન્ને પેટન્ટને તાજેતરમાં જ ઈન્ડિયન પેટન્ટ ઓફિસ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેમાં પ્રથમ પેટન્ટ જેમાં પ્રથમ પેટન્ટ અઝીડો અમાઈન કોબાલ્ટ કોમ્પલેક્ષ નામની વસ્તુ ડાઈંગ ક્ષેત્રમાં ખુબજ મોટો ફાયદો કરાવી શકે છે. આ પેટન્ટ તૈયાર કરવામાં અમે કોટન, ઉન અને સીલ્કના કપડા પર રિસર્ચ કર્યું છે.
રિસર્ચમાં સાબીત થયું છે કે, આ ત્રણેય કપડા પર જલ્દીથી કલર ચડાવવા અને કલરને લાંબો સમય સુધી ટકાવી રાખવા અઝીડો અમાઈન કોબાલ્ટ કોમ્પલેક્ષ ખુબજ ઉપયોગી બને તેમ છે. બીજી પેટન્ટમાં અમે કોમાન ડેરીવેટિઈઝ પર રિસર્ચ કરતા જાણ્યું કે, આ કેન્સર વિરોધી દવા બનાવવામાં ઉપયોગી નિવડે તેમ છે. આ માટે જો કોઈ ક્લીનીક ટ્રાયલ કરે તો તેને ચોક્કસથી આગળ સફળતા મળી શકે તેમ છે અને આ ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત થઈ શકે તેમ છે. તમામ પ્રકારના કેન્સરમાં આ દવા બને તો ઉપયોગી નિવડી શકે તેમ છે.
આજરોજ ઈન્ડિયન પેટન્ટ ઓફિસ દ્વારા કેમિસ્ટ્રી ભવનના પ્રા.ડો.રંજનબેન ખુંટે તૈયાર કરેલી બે પેટન્ટને સફળતા મળી છે. જે બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ બે-બે પેટન્ટ મેળવવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કુલસચિવ ડો.જતીન સોની અને કેમિસ્ટ્રી ભવનના અધ્યક્ષ ડો. એચ.એસ. જોષી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ બન્ને પેટન્ટ તૈયાર કરવા માટે ડો.રંજનબેન ખુંટની સાથે તેમના જ પીએચડીના વિદ્યાર્થી કૌશિક લુણાગરીયા અને જાગૃતીબેન બહલએ સાથે સંશોધન કરી સફળતા મેળવી છે.
યુનિવર્સિટી દ્વારા ભવિષ્યમાં વધુ પેટન્ટ તૈયાર કરવાનું લક્ષ્ય: ડો.વિજય દેસાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અવાર-નવાર સંશોધનો કરવામાં આવતા હોય છે. જો કે તાજેતરમાં જ નેકની ટીમનું ઈન્સ્પેકશન આવ્યું હતું અને તેમાં કહેવામાં આવ્યું હતું કે, યુનિવર્સિટી જ્યાં સુધી સમાજ ઉપયોગી પેટન્ટ કે સંશોધનો ના કરે ત્યાં સુધી તેનો કોઈ મતલબ જ નથી. ત્યારે તાજેતરમાં યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ભવન દ્વારા બે સમાજ ઉપયોગી પેટન્ટ ફાઈલ તૈયાર કરવામાં આવી છે જેને સરકારની મંજૂરી પણ મળી ગઈ છે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં સમાજને ઉપયોગી બને અને મેડિકલ ક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત થાય તેવી વધુ પેટન્ટન તૈયાર કરવાનું અમારૂ લક્ષ્ય છે અને આ માટે યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ લાગી ગયા છે.