એચ.એન.શુકલ કોલેજ, હરિવંદના કોલેજ, સદગુરુ મહિલા કોલેજ અને ટી.એન.રાવ કોલેજના સંયુકત ઉપક્રમે યોજાનાર આ વાર્ષિકોત્સવમાં શહિદો માટે ફાળો એકત્ર કરાશે
રાજકોટની એચ.એન.શુકલ કોલેજ, હરિવંદના કોલેજ, સદગુરુ મહિલા કોલેજ અને ટી.એન.રાવ કોલેજ દ્વારા જુદા જુદા વાર્ષિકોત્સવ ઉજવવાને બદલે બધા જ વિદ્યાર્થીઓને એક નવો અનુભવ પુરો પાડવા માટે એક સંયુકત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનમાં ગુજરાતના પ્રખ્યાત દર્શન રાવલના લાઈવ કન્સર્ટનું આયોજન કરાયું છે. ચારેય કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
કાર્યક્રમ અંગે માહિતી આપતા આયોજકોએ જણાવ્યું હતું કે, બધા જ વિદ્યાર્થીઓ સાથે રહી પુના અને મુંબઈમાં થતા મોટા કાર્યક્રમ જેવો એક કાર્યક્રમ સૌરાષ્ટ્રમાં પહેલી વખત કરી રહ્યા છે. આ કાર્યક્રમના આયોજનમાં વિદ્યાર્થીઓ ભાગીદાર બનતા કાર્યક્રમનું સંચાલન અને કાર્યક્રમનો વહિવટ કેવી રીતે થાય તે કૌશલ્યનો વિદ્યાર્થીઓમાં વિકાસ થશે. ૮ થી ૧૦ હજાર વિદ્યાર્થીઓ એક સાથે ઉપસ્થિત રહી દર્શન રાવલના કાર્યક્રમને માણશે. સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં વ્યકિતદિઠ ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા ટિકિટનો ભાવ હોય છે ત્યારે રાજકોટની પ્રખ્યાત એવી એચ.એન.શુકલ કોલેજ, હરિવંદના કોલેજ, સદગુરુ મહિલા કોલેજ અને ટી.એન.રાવ કોલેજ આ કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની કાર્યક્રમ માટે ટિકિટ રાખેલ નથી. વિદ્યાર્થીઓ દ્વારા શહિદો માટે જે ફંડ એકત્રિત કરવામાં આવશે તેમાં આ ચાર કોલેજો પણ રૂ.૧ લાખનું ફંડ ઉમેરી અને શહિદ પરિવારના ઉપયોગ માટે મોકલશે. રાજકોટની કોલેજોએ સાથે મળી આ કાર્યક્રમ ઉજવવાનું નકકી કર્યું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપરાંત સમાજના અનેક લોકો ઉપસ્થિત રહેનાર છે. માત્ર આમંત્રિતો માટેના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ હાલમાં આયોજનમાં વ્યસ્ત છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા એચ.એન.શુકલ કોલેજના નેહલભાઈ શુકલ, ડો.મેહુલભાઈ રૂપાણી, સંજયભાઈ વાધર, હરવિંદના કોલેજના ડો.મહેશભાઈ ચૌહાણ, સર્વેશ્વરભાઈ ચૌહાણ, સદગુરુ મહિલા કોલેજના આચાર્ય ડો.અર્જુનસિંહ રાણા અને ટી.એન.રાવ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ડો.નિદત બારોટના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા આ ચારેય કોલેજના અઘ્યાપકો અને વિદ્યાથીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.