ધો.12ની પરીક્ષા રદ થયા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 15મી જુનથી શરૂ થનારી પરીક્ષાઓ મુદ્દે સરકાર સાથે ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવાશે
સીબીએસઈ અને ગુજરાત બોર્ડની પરીક્ષા રદ થયા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થવાની શકયતા છે. બે દિવસ પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી પરીક્ષાનો પ્લાન જાહેર થયો હતો. 15મી જુનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓફલાઈન પરીક્ષા લેવાની છે ત્યારે આ અંગે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સરકાર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ પરીક્ષા રદ અથવા ઓનલાઈન કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવશે. આ તો પરીક્ષાની વાત પરંતુ બીજીબાજુ અચાનક પીજીની ફી જુદી જુદી 20થી વધુ પ્રકારની ફીમાં 10 ટકાનો વધારો કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જે મુદ્દે ઉહાપો મચતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને ફી વધારા મુદ્દે હવે કોઈ વધારો નહીં થાય તેમ જાહેર કરવામાં આવ્યું છે.
હાલ 15મી જુને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીજી અને યુજીના 3 થી 4 હજાર વિદ્યાર્થીઓ અને સંભવિત 21મી તારીખે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીની પરીક્ષા યોજાવાની છે ત્યારે અચાનક પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થતાં વિદ્યાર્થીઓને પણ આ બાબતનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. જો કે પરીક્ષા બાબતે હાલ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ રાબેતા મુજબ જ રાખવામાં આવ્યો છે.
એકબાજુ કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સ્કૂલમાં ફી ઘટાડવાની વાત કરવામાં આવી રહી છે. તેવી સ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 10 ટકાનો ફી વધારો કરી દેતા વિદ્યાર્થી-વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પમાં અભ્યાસ કરતા જુદા જુદા ભવનો અને સૌરાષ્ટ્રના અમરેલી, ગોંડલ, ઉપલેટા અને રાજકોટના પીજી કેન્દ્રોમાં અંદાજીત 4000થી વધુ વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો પડવાની સંભાવના હતી. ત્યારે કુલપતિ દ્વારા 10 ટકા ફીનો વધારો પાછો ખેંચાયો હતો.
હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ નિર્ણય પાછો ખેંચ્યો: કુલપતિ પેથાણી
આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રિ બજેટને લઈ જે મીટીંગ મળી હતી તેમાં આ નિર્ણય લેવાયો હતો પરંતુ હાલની પરિસ્થિતિને લઈને આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. આ ફીનો પરિપત્ર અધિકારી દ્વારા ભુલથી મોકલાયો હતો. આ પરિપત્રમાં બોયઝ હોસ્ટેલથી, સરસ્વતી વુમન હોસ્ટેલ ફી, લાઈબ્રેરી ફી, પીએચડીના કોષવર્કની ફી, પીએચડીની પ્રવેશ ટેસ્ટ ફી, પીએચડીની અન્ય ફી, પીએચડીની રજિસ્ટ્રેશન ફી, લેબોરેટરી ફી, મટીરીયલ ફી, સ્ટુડન્ટ ડેવલોપમેન્ટ ફી, પીએચડી રિન્યુઅલ ફી, પીએચડી ટ્યુશન ફી, એડમીશન ફોર્મ ફી સહિતની ફી વધારાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આ પરિપત્ર બાબતે હજુ આગામી મીટીંગમાં ચર્ચા વિચારણા કરવાની હોય અધિકારી દ્વારા આ પત્ર ભુલથી બહાર પાડ્યો હતો જેથી પરિપત્ર પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.