યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પરીક્ષા ચોરી યથાવત: થાનગઢમાં સૌથી વધુ ૧૩ કોપી કેસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી થવી તે હવે સામાન્ય બાબત બનીગ ઈ છે. સૌરાષ્ટ્રભરની કોલેજોમાં ચાલી રહેલી યુનિવર્સિટીની પરીક્ષામાં ગઈકાલે એક જ દિવસમાં ૨૫ કોપી કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ૧૩ કોપીકેસ થાનગઢમાં નોંધાયા હતા.
હાલ, સૌરાષ્ટ્રભરમાં સમગ્ર પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ત્રીજા તબકકાની પરીક્ષા ચાલી રહી છે. જેમાં ગઈકાલે જામખંભાળીયામાં બી.એ. સેમ.૨માં ૧ કોપી કેસ, દેરડી કુંભાજીમાં બી.એ. સેમે.૨માં ૧ કોપી કેસ, અમરેલીમાં બી.કોમ, સેમ.૪માં ૫ કોપીકેસ, લીંબડીમાં બી.કોમ. સેમ.૪માં ૩ કોપી કેસ, થાનગઢમાં બી.એ.સેમ.૪માં ૫ અને બી.કોમ. સેમ.૪માં ૮ કોપી કેસ તેમજ રાજકોટ બી.કોમ. સેમ.૪માં ૨ કોપી કેસ નોંધાયા હતા. સૌથી વધુ થાનગઢમાં ૧૩ કોપી કેસ નોંધાયા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બે તબકકાની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. અને અત્યારે ત્રીજા તબકકાની પરીક્ષા ચાલી રહી છે. વાત કરીએ પ્રથમ બે તબકકાની તો સંખ્યાબંધ કોપી કેસો નોંધાયા હતા અને હવે ત્રીજા તબકકાની પરીક્ષામાં પણ કોપી કેસનો સીલસીલો યથાવત જ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા ઘણા સમયથી કોપી કેસો અટકાવવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. કોપીકેસો અટકાવવા માટે ખાસ તો આ વખતે પરીક્ષા દરમિયાન કલાસ‚મમાં કેમેરાની વ્યવસ્થા અને જે કોલેજમાં આ કેમેરા વ્યવસ્થા ન હોય ત્યાં ટેબલેટ રાખી વિદ્યાર્થી પર નજર રાખી શકાય તેવા પ્રયાસો હતા પરંતુ દર વખતની જેમ કોપી કેસનો સીલસીલો યથાવત રહે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં કોપી કેસો નોંધાયા હતા.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની કેટલીક સંવેદનશીલ કોલેજોમાં યુનિવર્સિટી દ્વારા ચેકીંગ સ્કોર્ડ પણ તૈનાત કરવામાં આવી છે. અને સુપરવાઈઝર પણ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પર નજર રાખી રહ્યા છે. આમ, યુનિવર્સિટીના લાખ પ્રયત્નો છતા પરીક્ષા ચોરીનું દુષણ અટકતું નથી.