સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ અગ્ર સચિવ અંજુ શર્મા સમક્ષ પાંચ વર્ષનું વિઝન મૂક્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ મંગળવારે રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સમક્ષ પંચવર્ષીય પ્લાનિંગ રજૂ કર્યું હતું. જેમાં યુનિવર્સિટીએ રાજ્ય સરકાર પાસે રૂ.૧૦૦ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવા ડિમાન્ડ મૂકી હતી. યુનિવર્સિટીના વિદ્યાર્થીલક્ષી નવા કોર્ષ, એકેડમિક અને એડમિનિસ્ટ્રેટીવ રીફોર્મ્સનું વિઝન રજૂ કરાયું હતું. સરકાર પાસેથી ગ્રાન્ટ મળ્યા બાદ વિકાસકામો શરૂ થશે તેવું સત્તાધીશો જણાવી રહ્યા છે.
રાજ્ય સરકાર આગામી વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં બદલાવ લાવવા માંગે છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓ પાસે પાંચ વર્ષના વિઝનનું પ્લાનિંગ મંગાવવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજ્ય શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા મંગળવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહોચ્યા હતા અને કુલપતિ નિતિન પેથાણી, ઉપકુલપતિ વિજય દેશાણી, સિન્ડિકેટ સભ્યો અને અધિકારીઓ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આગામી પાંચ વર્ષનું વિઝન માંગ્યું હતું. જેમાં ERP (એન્ટરપ્રાઈઝ રિસોર્સ પ્લાનિંગ) પ્રોજેકટ. જેનાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલેસ બની જશે. વિદ્યાર્થીના પ્રવેશથી પરિણામ અને ત્યારબાદ યુનિવર્સિટી ટ્રાન્સફર માટેના સર્ટિફિકેટ સહિતની તમામ વસ્તુ ઓનલાઈન ઉપલબ્ધ બનશે. વિદ્યાર્થીનું ટાઈમ ટેબલ, યુનિવર્સિટીના ભવનોમાં એમ.ફિલ, પીએચ.ડી. કરતાં છાત્રો, ગાઈડની સંખ્યા, સંલગ્ન કોલેજોની સ્થિતિ તથા યુનિવર્સિટીનું ઓડિટ પણ ઓનલાઈન થઈ જશે.
ઉપરાંત ફાર્મસી ભવનમાં સૌરાષ્ટ્રમાં એક પણ જગ્યાએ નથી તેવી ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં દવાની સાથે એગ્રીકલ્ચર, ફાર્મસી, ફૂડ ટેસ્ટીંગ થઈ શકશે. સ્કિલ ભવન કે જેમાં શોર્ટ ફિલ્મ મેકિંગ સહિતના કોર્ષ શરૂ થાય. સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટસ એન્ડ ડ્રામા, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રૂરલ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ, વિદેશી વિદ્યાર્થીઓ માટેની ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોસ્ટેલ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન સાથે સંલગ્ન ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ સેન્ટર શરૂ કરવા વિઝન રજૂ થયું છે. જેમાં લેંગવેજ લેબ પણ શરૂ થાય તેવા પ્રયાસો રહેશે. સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણની કચેરી મંજૂર થઈ છે. તે શરૂ કરવા રાજ્ય સરકાર વહેલી તકે ગ્રાન્ટ આપે તેવી ડિમાન્ડ પણ મૂકવામાં આવી હતી. જેનાથી અલગ – અલગ જાહેરનામા, અધ્યાપકોના સિનિયોરિટી, પેન્શન સહિતના કામો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ થાય અને તેથી અધ્યાપકોને ગાંધીનગરના ધક્કા બંધ થાય.