યુનિવર્સિટીના પીજીના 2500થી વધુ વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ લેવા ભવનોમાં આવશે તો સોશિયલ ડિસ્ટન્સ જળવાશે?
રાજ્ય સહિત દેશભરમાં કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો હોય તેમ સતત કેસો વધી રહ્યાં છે. રાજ્યમાં વધતાં જતાં કોરોના સંક્રમણ સંદર્ભમાં વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો અને જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓની શાળાઓ તેમજ કોલેજ-યુનિવર્સિટીઓમાં સંપૂર્ણપણે આગામી 10મી એપ્રીલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ પરીક્ષાઓ પણ મોકુફ રાખવામાં આવી છે. જો કે, યુનિવર્સિટીમાં પીજી અને પ્રેક્ટિકલના વર્ગો ચાલુ રાખવાનું ગાઈડ લાઈનમાં જણાવવામાં આવ્યું છે. જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીજીના આશરે 2500થી પણ વધુ વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય જેનું ઓફલાઈન શૈક્ષણિક કાર્ય અને પ્રેક્ટિકલ વર્ગો શરૂ રહેશે પરંતુ કોલેજોમાં એકપર વર્ગો શરૂ નહીં રહે તો શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોરોના મુક્ત બની ગઈ છે ? યુનિવર્સિટીમાં કોરોનાનું સંક્રમણ શું નહીં ફેલાઈ ? આ વૈધક સવાલ અહીં ઉભો થાય છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીમાં માટે ગઈકાલે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં આજથી 10 એપ્રીલ સુધી નિર્ધારીત સ્નાતક ગ્રેજ્યુએટ કક્ષાની ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે અને આ પરીક્ષા અંગે નવેસરથી સમયપત્રક યુનિવર્સિટી જાહેર કરશે. શિક્ષણ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, 10 એપ્રીલ સુધી તમામ શિક્ષણ ઓનલાઈન આપવામાં આવશે, હોસ્ટેલો ચાલુ રહેશે અને વિદ્યાર્થી તેમના હોસ્ટેલ રૂમમાં રહી શિક્ષણ મેળવી શકશે. આ ઉપરાંત રાજ્યની યુનિવર્સિટીમાં અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષા અને ઓનલાઈન કલાસીસ અને પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે તો શું આ બધી જગ્યાએ કોરોનાનું સંક્રમણ નહીં ફેલાય ? આમાં વિદ્યાર્થીઓનો શું વાંક, વિદ્યાર્થી સ્કૂલના હોય કે યુનિવર્સિટીના કોરોના તો કોઈપણને ભરડામાં લઈ શકે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ લગભગ 200થી વધુ કોરોનાના કેસો આવ્યા હતા. ત્યારે હાલમાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, ભવનોમાં પીજીની સંખ્યા માત્ર 2500 વિદ્યાર્થીની જ છે અનેે એક-એક ભવનમાં ચાર-ચાર કલાસરૂમ હોય પુરતા સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીને બેસાડવામાં આવશે. જેથી સંક્રમણનો ભય ન રહે, જો કે સવાલ એ ઉભો થાય છે કે, અગાઉ જ્યારે રાજ્યભરમાં શાળા-કોલેજ-યુનિવર્સિટી બંધ હતી. માત્ર કર્મચારીઓ જ યુનિવર્સિટીએ આવતા હતા ત્યારે પણ યુનિવર્સિટીમાં કોરોનાએ આતંક ફેલાવ્યો હતો અને 200 જેટલા કેસ નોંધાયા હતા. કુલપતિ, ઉપકુલપતિ સહિત અનેક ભરડામાં આવી ગયા હતા. હવે જ્યારે કેસો વધી રહ્યાં છે ત્યારે સરકારની આ ગાઈડ લાઈનનું યુનિવર્સિટી પાલન કરી રહી છે તો શું યુનિવર્સિટી હવે કોરોનામુક્ત થઈ ગઈ છે?
કોલેજો ઓનલાઈન, પેપર ઓફલાઈન!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ છેલ્લા 10 દિવસથી ચાલતી હતી. ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અંતિમ પેપર પણ ઓફલાઈન લેવામાં આવતા અનેક તર્ક-વિતર્ક જાગી છે. કેમ કે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ ફેલાવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 10મી એપ્રીલ સુધી 8 મહાનગરપાલિકાઓમાં સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટીમાં ફરજિયાત ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે. જો કે, યુનિવર્સિટીની એક વિષયની પરીક્ષા બાકી હોય આજે આ પરીક્ષા ઓફલાઈન લેવામાં આવી હતી. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન છેલ્લા બે પેપર બાકી હતા તે મોકુફ રાખવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે જાણે કોરોનાનો ડર ખત્મ થયો હોય તેમ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ઓફલાઈન ચાલુ રાખવામાં આવી હતી.