સેનેટર સભ્ય, પૂર્વ સિન્ડીકેટ સભ્ય ડો. જોશીનું કુલપતિને આવેદન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડીકેટ અને વિવિધ ફેકલ્ટીઓની ચૂંટણી મોકુફ રાખવા પૂર્વ સિન્ડીકેટ સભ્ય ડો. યજ્ઞેશ જોશીએ માંગ કરી છે. સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણીને આવેદન પાઠવી જણાવાયું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફતે તા. 18-પ-21 ના રોજ સિન્ડીકેટ તથા વિવિધ ફેકલ્ટીઓની તેમજ બોર્ડ ઓફ એકાઉન્ટની ચૂંટણીઓ યોજવા અંગે તા. 7/4/21 ના રોજ જાહેરનામું બહાર પાડેલ છે. વર્તમાન કોરોના વિસ્ફોટને કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રજા ત્રાહિમામ છે. રોજેરોજ કોરોના સંક્રમણ વધતું જાય છે. લોકો ટપોટપ મૃત્યુ પામતા જોવા મળી રહ્યા છે.
સમગ્ર ગુજરાતની આરોગ્ય સુવિધા હાંફી ગઇ છે. હોસ્પિટલમાં બેડ નથી. ઇન્જેકશન નથી. ઓકિસજન નથી. સ્મશાનભૂમિમાં બે-બે દિવસમાં વેઇટીગ ચાલે છે. લોકો ભયભીત બની ગયા છે. આવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે. ત્યારે આગામી તા. 18-પ-21 ના રોજ યોજનાર સિન્ડીકેટ અને વિવિધ ફેકલ્ટીઓની ચૂંટણીઓ મોકુફ રાખવી જોઇએ.
યજ્ઞેશ એમ. જોશીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજયપાલ દેવવ્રત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ ડો નીતીનભાઇ પેથાણી, પ્રો.વાઇસ ચાન્સેલર ડો. વિજયભાઇ દેશાણી તથા રજીસ્ટ્રાર જતીન સોનીને પત્ર મારફતે આવેદન પાઠવ્યું છે.