જામનગર ૮ ડિગ્રી, સુરેન્દ્રનગર ૮.૫ ડિગ્રી, રાજકોટ ૧૧ ડિગ્રી સાથે ઠંડાગાર: કાશ્મીર જેવા બર્ફીલા ઠારનો અહેસાસ: હજી કાલે ઠંડીનું જોર યથાવત રહેશે
રાજધાની દિલ્હીમાં પણ ગાત્રો થીજાવતી કાતીલ ઠંડી: કરા સાથે જોરદાર વરસાદથી દિલ્હીવાસીઓ ધ્રુજી ઉઠયા: સોમવારથી ફરી નવું વેસ્ટન ડિસ્ટર્બન્સ સજાર્શ, ૧૪મીથી ઠંડીનો નવો રાઉન્ડ: આખો ફેબ્રુઆરી માસ ઠંડી યથાવત રહેશે
ચાલુ સાલ શિયાળાની સીઝનમાં ફેબ્રુઆરી માસમાં ઠંડીએ દાયકાઓ જુનો રેકોર્ડ તોડયો છે. છેલ્લા બે માસથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત કાતીલ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું છે. રાજસ્થાનમાં સર્જાયેલા અપરએર સાયકલોનીક સરકયુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે સૌરાષ્ટ્ર જાણે કાશ્મીર બની ગયું હોય તેવા બર્ફીલા ઠારનો અહેસાસ લોકો કરી રહ્યા છે. રાજધાની નવી દિલ્હીમાં પણ જોરદાર વરસાદ સાથે કરા પડતા દિલ્હીવાસીઓ થર થર ધ્રુજી રહ્યા છે. આવતીકાલે પણ ઠંડીનું જોર યથાવત રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આગામી સોમવારથી નવું વેસ્ટર્ન ડિસ્ટબન્સ ઉદભવી રહ્યું હોય રાજયમાં ૧૪મી ફેબ્રુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ શ‚ થાય તેવી સંભાવના છે. ફેબ્રુઆરી માસના અંત સુધી ઠંડીનું જોર યથાવત રહેશે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાનનો પારો ૧ ડિગ્રી સુધી ચોકકસ ઉંચકાયો હતો પરંતુ ઠંડાગાર પવનોના સુસવાટાના કારણે રાજકોટવાસીઓ દિવસભર કાતીલ ઠંડીમાં રીતસર ઠુંઠવાઈ ગયા હતા. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ફરજીયાતપણે ગરમ કપડામાં વિંટોળાઈ રહેવાની ફરજ પડતી હતી. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૬ ટકા, પવનની ગતી પ્રતિ કલાક ૯ કિલોમીટર અને સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૧૪.૬ ડિગ્રી નોંધાયું હતું. આવતીકાલે પણ ઠંડીનું જોર યથાવત રહેશે. જોકે લઘુતમ તાપમાનનો પારો એકાદ ડિગ્રી ઉંચકાય તેવી સંભાવના છે. સુરેન્દ્રનગર આજે ઠંડીમાં થર થર ધ્રુજયું હતું. ગઈકાલની સરખામણીએ આજે સુરેન્દ્રનગરમાં લઘુતમ તાપમાનનો પારો ૨ ડિગ્રી નીચો પટકાયો હતો. આજે સુરેન્દ્રનગરનું નીચું તાપમાન ૮.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ૬ કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. જામનગરમાં પણ આજે ઠંડીનું જોર વઘ્યું હતું. જામનગરનું લઘુતમ તાપમાન આજે ૧ ડિગ્રી નીચે પટકાયું હતું. આજનું લઘુતમ તાપમાન ૮ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬.૬ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. સૌરાષ્ટ્રના અન્ય શહેરો જુનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ સહિતના મોટાભાગના શહેરોમાં આજે લઘુતમ તાપમાન નીચું પટકાતા લોકોએ કાતીલ ઠંડીનો અહેસાસ કર્યો હતો.
દેશની રાજધાની નવી દિલ્હીમાં ફેબ્રુઆરી માસમાં ઠંડીએ રેકોર્ડ તોડયો છે. છેલ્લા બે દિવસથી દિલ્હીમાં જોરદાર વરસાદ સાથે કરા પડી રહ્યા છે. દિલ્હીના રાજમાર્ગો પર જાણે બરફની ચાદર છવાઈ જતી હોય તેવું જોવા મળી રહ્યું છે. દિવસભર નીચું તાપમાન રહેતું હોવાના કારણે દિલ્હીવાસીઓ રીતસર ઠુંઠવાઈ ગયા છે. જમ્મુ-કાશ્મીર સહિત દેશના ઉતરી રાજયોમાં ચાલુ સાલ રેકોર્ડબ્રેક બરફવર્ષાના કારણે દેશમાં આ વર્ષે શિયાળાની સીઝનમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં છેલ્લા બે માસથી લગાતાર ઠંડીનો દૌર ચાલુ હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઠંડીના કારણે સ્વાઈનફલુ જેવી મહામારીએ પણ માથુ ઉંચકયું છે અને અનેક લોકોના જીવ હણી લીધા છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આગામી ૧૧મી ફેબ્રુઆરીથી નવું વેસ્ટર્ન ડિસ્ટબન્સ ઉદભવી રહ્યું છે જેના કારણે ૧૪મી ફેબ્રુઆરીથી રાજયમાં ફરી ઠંડીનો એક નવો રાઉન્ડ આવશે. ગુજરાતમાં આખો ફેબ્રુઆરી માસ ઠંડીનું જોર જારી રહેશે જયારે દિલ્હી સહિતના ઉતર ભારતના રાજયોમાં માર્ચ માસ દરમિયાન પણ ગાત્રો થ્રીજાવતી ઠંડી પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
દિલ્હી કાશ્મીરમાં ફેરવાયું
દેશભમાં કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દિન પ્રતિદિન વધતી ટાઢથી ભારત ટાઢુબોળ થયું છે. દર વર્ષે શિયાળામાં હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં તાપમાન માયનસ ડીગ્રીએ પહોચતુ હોય છે. પરંતુ રાજધાની દિલ્હીમાં શિયાળામાં કરા પડયા હોયતેવી પ્રથમ ઘટના બની છે.
ઉત્તરાખંડમાં હિમસ્ખલનથી ૭ પોલીસ જવાન કુલ ૧૧ ના મોત થયા છે. તો દિલ્હી કાશ્મીરમાં ફેરવાઈ રહ્યું છે.
કેટલાક રાજયોમાં છૂટા છવાયા માવઠા પણ નોંધાયા હતા હાડ થીજવતી ઠંડીનું કારણ સાયકલોનીક સર્કયુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બનસ હોવાનું અનુમાન છે.
દિલ્હીમાં છેલ્લે ૨ દિવસથી એરપોર્ટ આવતી ફલાઈટો પણ ડાયવર્ટ કરવામાં આવી રહી છે. પરિવહનના માધ્યમો ઠપ્પ થઈ રહ્યા છે.
કાશ્મીરની જેમ બરફની ચાદર હોય તેમ દિલ્હીમાં પણ ઠંડી અને બર્ફવર્ષાથી સફેદ ચાદર પથરાઈ હતી માવઠાને કારણે લોકોના જનજીવન ઉપર તેની અસરો પડી રહી છે ઠંડાગાર શિયાળાએ આ વર્ષે ટાઢના તમામ રેકોર્ડ તોડયા છે.