સૌરાષ્ટ્ર તમિલ સંગમના મુખ્ય સત્રમાં સંબોધન કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ
સોમનાથ ખાતે ચાલી રહેલ સૌરાષ્ટ્ર તામિલ સંગમ તારીખ 25 મી એપ્રિલના રોજ મુખ્ય સત્રમાં સંબોધન કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને કેન્દ્રીય આયોજન સમિતિના સભ્ય પ્રોફેસર ડો. કમલેશ જોષીપુરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર તામિલ સંગમના આયોજન થકી સૌરાષ્ટ્રવાસીઓમાં નવી આશા અને ઉમંગનો સંચાર થયો છે અને આ સમુદાયની સદીઓ પહેલા ઈચ્છા હતી કે સોમનાથના આંગણે સૌરાષ્ટ્રવાસીઓ એકત્ર આવે તે અંતરની ઇચ્છાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી એ પૂરી કરી છે.
પ્રોફેસર કમલેશ જોષીપુરાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે 2009ની સાલમાં મદુરાઈ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર મહાસંગમમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સૌરાષ્ટ્રવાસીઓમાં પડેલ કલાત્મક સુઝ અને ખંત, ખમીર અને કોઠાસૂઝ નો ઉપયોગ વર્તમાન પરિપેક્ષમાં થાય છે તેવી અત્યંત મહત્વપૂર્ણ એવી ફોમ્ર્યુલા આપી હતી અને આ દીર્ઘદ્રષ્ટા રાજપુરુષે તે સમયે એટલે કે આજથી લગભગ 17 – 18 વર્ષ પહેલા સૌરાષ્ટ્રવાસીઓનો ગુજરાત સાથે મજબૂત નાતો અને આદાન પ્રદાન ની પ્રવૃત્તિ વિકશે તે અર્થે એક ઉત્કૃષ્ટ આયોજન બદ્ધ પ્રકલ્પની સુરેખ અને સ્પષ્ટ રૂપરેખા રજૂ કરી હતી તે આજે સાકાર થતી જોવા મળે છે.
પ્રોફેસર કમલેશ જોષીપુરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે તે સમયે નરેન્દ્ર ભાઈ મોદીજીની સતત પ્રેરણાથી આ સમુદાય સાથે મજબૂત નાતો બાંધવામાં સમગ્ર ટીમને સફળતા મળી છે, સૌરાષ્ટ્ર તામિલ સંગમ એ એક ઐતિહાસિક અવિસ્મરણિય કાર્યક્રમ છે અને આ સંગમની નોંધ ભવિષ્યમાં ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાશે તેમાં મને કોઈ જ શંકા નથી.
ભગવાન સોમનાથ ના આશીર્વાદ અને મીનાક્ષી સોમસુંદરેશ્વર ની કૃપાથી આ સૌરાષ્ટ્રવાસીઓ દ્વારા આપણને સૌને અપાર પ્રેમ અને લાગણી મળી રહી છે તેનો દિવ્ય આનંદ છે. સૌરાષ્ટ્ર સમુદાય એ ખૂબ જ લાગણીશીલ તેમજ સૌજન્ય શીલ છે અને સાથોસાથ પરિશ્રમના માધ્યમથી ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરે છે ત્યારે આ સંગમની અંદર પણ દેશ-વિદેશના પ્રતિષ્ઠિત મહાનુભાવો આવ્યા પરંતુ ખૂબ જ સાદગી પૂર્ણ રીતે પ્રત્યેક સૌરાષ્ટ્રવાસીઓ સાથે હળીમળીને ઉત્સવમાં સામેલ થયા અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે ઉત્કૃષ્ટ વ્યવસ્થા નિષ્પન્ન થઈ છે તેને વખાણી એટલું જ નહીં પરંતુ વિશ્વાસ વ્યક્ત કરતા આ મહાનુભાવો એ નરેન્દ્રભાઈ મોદી પરત્વે અહોભાવ વ્યકત કર્યો છે.
કમલેશ જોષીપુરાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ખાસ કરીને હવે પછીની અમારી નેમ ખાસ કરીને સૌરાષ્ટ્ર સમુદાયની યુવા પેઢીને વિશેષ રીતે સાંકળવાની છે અને તેના માટે આયોજન બધ્ધ યોજના ઘડી છે. સૌરાષ્ટ્ર સમુદાય મોદીજી,ને અભિનંદન આપી રહ્યો છે.