Table of Contents

મંત્રી કુબેરભાઈ ડિંડોરે સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોને સૌરાષ્ટ્રની ધરા પર આવકાર્યા: વેરાવળ રેલવે સ્ટેશન પર મૂળ સૌરાષ્ટ્રના તમિલ પરિવારોનું સૌરાષ્ટ્રના પરંપરાગત પરિધાન અને લોકસંગીત દ્વારા અદકેરૂ અભિવાદન અને સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિચારને સાર્થક કરતા ’સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અન્વયે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પધારેલા પ્રવાસીઓને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી  કુબેરભાઈ ડિંડોરે ભાવભીનું સ્વાગત કર્યુ હતુ. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનનું આગમન થતાં જ સમગ્ર રેલવે સ્ટેશન ઢોલ-નગારા અને બેન્ડના  નાદથી ગાજી ઉઠ્યું હતું. ટ્રેનમાંથી પ્રવાસીઓ ઉતરતા જ પુષ્પવર્ષા કરી તેમને આવકારવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સોમનાથ મહાદેવની તપસ્વી ધરા પર મદુરાઈથી આવેલા તમિલ પરિવારોની સૌરાષ્ટ્રના પરંપરાગત પરિધાન, ઢોલ, શરણાઈ, પાવો અને સુરંદો જેવા લોકવાદ્યો તેમજ ભરત અને આભલે મઢેલી છત્રી સાથે લોકનૃત્ય દ્વારા આગતા સ્વાગત કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રીયન તમિલો પણ ગુજરાતી સંગીત પર કલાકારો સાથે દાંડિયા તેમજ તાલીઓના તાલે ઝૂમ્યા હતા. પધારેલા તમિલ પરિવારો સાથે રેલવે સ્ટેશન ખાતે મંત્રી  કુબેરભાઈ ડિંડોરે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે મહેમાનોને આવકારવા રેલવે સ્ટેશન ખાતે મંત્રી  કુબેરભાઈ ડિંડોર સાથે તાલાલા વિસ્તારના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ બારડ, જિલ્લા કલેક્ટર  એચ. કે. વઢવાણીયા, ગુજરાત પ્રવાસન ઓ.એસ.ડી.  આર.આર.ઠક્કર, વેરાવળ- સોમનાથ નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ  લલિતભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી  આર. એ.ડોડીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  એચ.કે. વાજા, અગ્રણી સર્વ  રામીબેન વાજા,  દેવાભાઈ જાડેજા, પ્રવીણભાઈ રૂપાલિયા,  ડો.વઘાસિયા તથા વિવિધ એન.જી.ઓ. અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છના રણ ઉત્સવની જેમ જ શિવરાજપુરને વિકસાવાશે: પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા

શિવરાજપુર  ખાતે  ‘બીચ સ્પોર્ટસ ફેસ્ટિવલ’ની મુલાકાત લેતા પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા તથા શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર

Screenshot 4 23

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે બીચના દરિયા કાંઠે “બીચ સ્પોર્ટસ ફેસ્ટિવલ” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે શિવરાજપુરનાં રમણીય દરિયાકાંઠે પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા રમતો થકી પણ તમિલનાડુ અને ગુજરાતના લોકો એકબીજાની વધુ નજીક આવે, સંસ્કૃતિ- ભાષા,ભોજનનું આદાન પ્રદાન કરી શકે તે માટે અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન થવાનું છે ત્યારે આયોજનની સમિક્ષા અર્થે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, શિક્ષણમંત્રી  ડો. કુબેરભાઈ ડિંડોરએ શિવરાજપુર બીચની મુલાકાત કરી જે તે વિભાગને જરૂરી સૂચનો આપ્યા હતા.

આ તકે સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે દરિયાકાંઠે રેતશિલ્પ મહોત્સવમાં રેત શિલ્પકારો દ્વારા બનાવેલી આકર્ષક કૃતિઓ જેવી કે, એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાર્થક કરતું સૌરાષ્ટ્ર – તમિલ સંગમનું રેત ચિત્ર, તિરુપતિ બાલાજી, દ્વારકાધીશ મંદિર, કીપ ધ બીચ ક્લીન સહિતના રેત ચિત્ર નિહાળ્યા હતા.   આ તકે પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે,  સૌરાષ્ટ્ર તમિલ વચ્ચેના ઐતિહાસિક સંબંધો થકી ભારતની જુદી જુદી ભવ્ય સંસ્કૃતિઓને ઉજાગર કરવા માટે તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં “એક ભારત, એક શ્રેષ્ઠ ભારત” ના સ્વપ્નને પરીપૂર્ણ કરવા માટે આયોજિત “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રીયન તમિલ પરિજનો સોમનાથથી દ્વારકા પધાર્યા છે ત્યારે દ્વારકાના ઐતિહાસિક સ્થળોની સાથે સાથે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત બ્લુ ફ્લેગમાં સ્થાન હાંસલ કરનાર શિવરાજપુર બીચની સુંદરતા પણ તમિલ બાંધવો નિહાળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

શિવરાજપુર બીચ ખાતે હાલ પ્રથમ ફેઝનું કાર્ય પ્રગતિ હેઠળ છે. કુદરતના અદભૂત સૌંદર્યનાને માણવા નજારો જોવા શિવરાજપુર બીચ ખાતે મોટી સંખ્યામાં દેશ – વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે કચ્છના રણોત્સવની જેમ શિવરાજપુરને પણ વિકસાવાશે તેમ ઉમેર્યું હતું.

નાગેશ્વરમાં ઢોલ નગારા તાલે ઝૂમી આનંદની લાગણી અનુભવતા સૌરાષ્ટ્રીયન તમિલો

Screenshot 5 16

સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે સૌપ્રથમ સોમનાથના મહેમાન બનેલા સૌરાષ્ટ્ર તમિલ બાંધવો આજરોજ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા છે.આજરોજ 300 સૌરાષ્ટ્રીયન તમિલોએ નાગેશ્વર મહાદેવ દર્શન કર્યા છે. નાગેશ્વર ખાતે ઢોલ શરણાઈના તાલે સૌરાષ્ટ્રીયન તમિલો  ઝૂમી ઉઠ્યા હતા. ગ્રામજનોએ પરંપરાગત પોશાકમાં મહેમાનોને આવકાર્યા હતા.

ભગવાન દ્વારકાધીશના દર્શન કરતા સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવો

ધારાસભ્ય પબુભા માણેક સહિતના આગેવાનોએ અને મંદિર સમિતિ- અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું

’સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અન્વયે દ્વારકા ખાતે પધારેલા પ્રવાસીઓનું-સૌરાષ્ટ્ર તમિલ બાંધવોનું જય દ્વારિકાધીશના નાદ સાથે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.  ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ પર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને  મદુરાઈથી આવેલા તમિલ પરિવારોની સૌરાષ્ટ્રના પરંપરાગત પરિધાન, ઢોલ, શરણાઈ, પાવો અને સુરંદો જેવા લોકવાદ્યો તેમજ ભરત અને આભલે મઢેલી છત્રી સાથે તમિલીયનો ગરબાના તાલે જુમ્યા હતા. ધારાસભ્યશ્રી પબુભા માણેકે 300 જેટલા પ્રવાસીઓ બસમાંથી ઉતરતા જ પુષ્પવર્ષા કરી તેમને આવકારવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રીયન તમિલો પણ ગુજરાતી સંગીત પર કલાકારો સાથે દાંડિયા તેમજ તાલીઓના તાલે ઝૂમ્યા હતા.

દ્વારકામાં રૂક્ષ્મણી માતાના મંદિરે દર્શન કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમના મહેમાનો

IMG 20230419 WA0101

સૌરાષ્ટ્ર તમિલ સંગમના અંદાજે 300 જેટલા મહેમાનો એ દ્વારકામાં રુકમણી માતાના પૌરાણિક મંદિરે રુકમણી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ અને રુકમણી  માતા શા માટે અલગ બિરાજયા તે અંગેની દુર્વાસા ઋષિની કથા તેમજ  અહીંના જળનું મહત્વ જાણી તમિલનાડુના દર્શનાર્થી અભિભૂત થયા હતા. મહેમાનોની સાથે આવેલા ક્ધવીનર શ્રીમતી એ.આર મહાલક્ષ્મીએ સ્થાનિક પૂજારીએ સંભળાવેલી પૌરાણિક કથા તમિલ ભાષામાં ભાષાંતરિત કરીને દર્શનાર્થીઓનેન સંભળાવી હતી.

 મદુરાઈની જેમ પ્રભાસ પાટણની ભૂમિ પણ મંદિરોની ભૂમિ છે

IMG 20230419 WA0127

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે તમિલ પરિવારોને સોમનાથ પ્રભાસ પાટણના વિવિધ સ્થળોના દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ભાલકા ખાતે તમામ તમિલ પરિવારોએ ભગવાન શ્રી કૃષ્ણના નિર્વાણ સ્થાનના દર્શન કર્યા હતા. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અને અહીંના મંદિરો વિશે વાત કરતા મદુરાઈથી આવેલા ટી.આર. પ્રકાશકુમારે જણાવ્યુ હતુ કે, અમારા મદુરાઈની જેમ પ્રભાસ પાટણની આ ભૂમિ પર પણ સવિશેષ મંદિર આવેલા છે.

અહીંના મંદિરોની બાંધણી અને કોતરણી, થોડા અંશે  મદુરાઈના મંદિરોની બાંધણી અને કોતરણી સાથે મળતી આવે છે. ફરક એટલો છે કે, અમારે ત્યાં મંદિરો મુખ્યત્વે પથ્થરના બનેલા છે જ્યારે અહીંના મંદિરો મુખ્યત્વે માર્બલના છે.  સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ વિશે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ એ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હતું જે આજે સાકાર થઈ રહ્યું છે. વર્ષો બાદ અમારા પિતૃઓની માંભોમ પર આવવાનું સૌભાગ્ય અમને તેમના થકી જ મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.