નગરજનોને ઘર આંગણે તમિલ સંસ્કૃતિના દર્શન અને અનુભૂતિનો લાભ લેવાનો લ્હાવો
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ સાથે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે એ પહેલા વિશ્વશાંતિનો સંદેશો લઈ શિવમય ભાવના સાથે તમિલનાડુના 120 જેટલા પંડિતો દ્વારા વેદઋચાઓ સાથે અતિરૂદ્ર મહાયજ્ઞનો આરંભ કરાયો છે. જે માટે ચોપાટી પર જ મોટી યજ્ઞશાળાનું આયોજન કરાયું છે.
તમિલ સંસ્કૃતિનો ભવ્ય વારસો પોતાની સાથે લઈ સોમનાથના સાન્નિધ્યમાં પધારેલા 120 જેટલા પંડિતો તેમજ 650 જેટલા ભક્તો ભક્તિમય વાતાવરણમાં શ્લોકના મધુર ઉચ્ચારણ સાથે શિવજીનું મહિમામંડન વર્ણવી રહ્યાં છે. દક્ષિણ ભારતના પરંપરાગત વાદ્યોના સૂર સાથે શિવમય સૂરાવલીમાં સોમનાથવાસીઓને તમિલ દર્શન થાય તેવું વાતાવરણ ઉભું થયું છે. જેમાં પાંચ યજ્ઞકુંડ સાથે મધ્યમાં વિશાળ કમળ આકૃતિ પર 1008 કળશનું સ્થાપન કરવામાં આવ્યું છે તેમજ જુદા જુદા દ્રવ્યોની આહુતિથી 14 તારીખ સુધી આ મહાયજ્ઞ ચાલવાનો છે.
ચોપાટી ખાતે તૈયાર કરાયેલી યજ્ઞશાળામાં તમિલ સંસ્કૃતિને રજૂ કરતા નંદીના તોરણો તેમજ પ્રત્યેક સ્તંભો પર શિવપ્રતિકોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે ઉપરાંત યજ્ઞશાળાની ભૂમિને ગાયના પવિત્ર ગોબરથી લિંપણ કરવામા આવી છે. આ રીતે સૌરાષ્ટ્રવાસીઓને પણ તમિલ સંસ્કૃતિના દર્શનનો અને અનુભૂતિનો લાભ ઘરઆંગણે જ મળી રહ્યો છે.