એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો સોમવારે સોમનાથ ખાતે ભવ્ય ઉદ્ઘાટન સાથે આરંભ થશે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં તેને ખુલ્લો મૂકશે. ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સંરક્ષણમંત્રીના સ્વાગતમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, કર્નલ રજાવત અને એર કમાન્ડો આનંદ સોઢી સહભાગી બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈ બહેનોને પોતાની માતૃભૂમિ સાથેનું સંગમ કરાવવાના હેતુથી યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલ ભાઈ-બહેનોને પુનઃ સૌરાષ્ટ્ર સાથે જોડવા “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ આગામી ૧૭ થી૩૦ એપ્રિલ સુધી ગુજરાતમાં યોજાશે. તમિલ ભાઈ-બહેનો સૌરાષ્ટ્ર વાસીઓનો મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાશે અને ત્યારબાદ તમામ તમિલ યાત્રીઓ ગુજરાત ભ્રમણમાં જોડાશે.
વેરાવળ ખાતે આવેલા તમિલ બાંધવોનું કરાયું ઉષ્માભેર સ્વાગત
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માટે ખાસ મદુરાઈથી સ્પેશિયલ ટ્રેનમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકો સવારે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તમિલ બાંધવો- ભગીનીઓનું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તમિલ સંગમ કાર્યક્રમના ઉપક્રમે વર્ષો બાદ મૂળ વતનની મુલાકાતે આવેલા બંધુઓને આવકારવા માટે સૌરાષ્ટ્રના દરેક સમુદાયના લોકો તેમજ મૂળ તમિલનાડુના અને હાલ વેરાવળમાં સ્થાયી થયેલા તમિલ સમુદાય પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઢોલ નગારાના તાલે, કુમકુમ તિલક કરી ૩૦૦થી વધુ મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન લોકોનું કાઠીયાવાડી પરંપરા મુજબ પુષ્પગુચ્છ આપી, હાર પહેરાવી મંત્રી સહીતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવકારથી આનંદીત થયેલા મહેમાનો પણ રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ અને શરણાઈઓના તાલે ઝૂમી ઉઠ્યા હતા.