નવી સિસ્ટમ નબળી પડી જતા સૌરાષ્ટ્રને જોઈએ તેવો લાભ નહીં મળે: જો કે મોનસુન ટ્રફ ફરી નોર્મલ પોઝિશનમાં આવતા ચોમાસુ ફરી સક્રિય થવાની આશા

કાગડોળે મેઘરાજાની વાટ જોઈ રહેલા સૌરાષ્ટ્રવાસીઓએ હજી સારા વરસાદ માટે ઈન્તજાર કરવો પડશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડી જતા સૌરાષ્ટ્રમાં શનિવાર અને રવિવારે માત્ર હળવાથી મધ્યમ ઝાપટા જ પડશે. જોકે હિમાલયની તળેટી સુધી ઉપર ચડી ગયેલો મોનસુન રૂફ ફરી નોર્મલ પોઝીશનમાં આવતા આગામી દિવસોમાં ફરી ચોમાસુ સક્રિય થવાની આશા ઉભી થવા પામી છે. ગઈકાલે રાજયમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયકલોનીક સરકયુલેશન સિસ્ટમ મજબુત બની લો-પ્રેશરમાં પરિવર્તીત થવાના એક જ દિવસમાં સિસ્ટમ નબળી પડી ફરી સાયકલોનીક સરકયુલેશનમા ફેરવાઈ ગઈ હતી. જેના કારણે સૌરાષ્ટ્રમાં શનિવારથી સારો વરસાદ પડશે તેવી ઉભી થયેલી સંભાવના હવે નહીંવત થઈ જવા પામી છે. આગામી શનિવાર અને રવિવારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટા પડશે.

જોકે છેલ્લા ઘણા દિવસથી મોનસુન રૂફ જે હિમાલયની તળેટી ઉપર ચડી જવાના કારણે ચોમાસુ નિષ્ક્રીય થઈ જવા પામ્યું હતુ હવે મોનસુન રૂફ ફરી એકવાર નોર્મલ પોઝીશનમાં આવ્યો છે. હાલ મોનસુન રૂફનો એક છેડો રાજસ્થાનના ગંગાનગર સુધી અને બીજો છેડો બંગાળની ખાડી તરફ છે. જે ખૂબજ સારી બાબત છે. મોનસુન રૂફ ફરી નોર્મલ સ્થિતિમાં આવવાના કારણે ગુજરાત સહિતના રાજયોમાં ફરી ચોમાસુ સક્રિય થવાની આશા ઉભી થવા પામી છે. આગામી દિવસોમાં નવી સિસ્ટમ સર્જાવાના કારણે સૌરાષ્ટ્રમા સાર્વત્રીક અને સંતોષકારક વરસાદ પડે તેવી આશા બંધાઈ છે.

સૌરાષ્ટ્રવાસીઓએ હજી સાર્વત્રિક વરસાદ માટે આઠથી દશ દિવસ રાહ જોવી પડશે. વરસાદ ખેંચાવાના કારણે સૌરાષ્ટ્રમાં પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થવા પામી છે. આ ઉપરાંત પાણીની પણ અછત સર્જાય રહી છે. જો હવે એકાદ સપ્તાહમાં વરસાદ નહી પડષ તો સ્થિતિ વધુ વિકટ બનશે.

લીલીયામાં 4॥, અમરેલીમાં 4 ઈંચ રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ વઢવાણ, ગારિયાધારમાં 1॥ ઈંચ, રાજુલા, બોટાદમાં 1। ઈંચ, વિંછીયા-બાબરામાં 1 ઈંચ વરસ્યો

રાજ્યમાં આજે સવારે 6 કલાકે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન 129 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં સાડા ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો 40.40 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાના કારણે રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. જો કે, તેનો સૌથી વધુ લાભ દક્ષિણ ગુજરાતને મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે અને રવિવારે સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 129 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યારે સવારે 6 થી 8 સુધીના બે કલાકના સમયગાળામાં 15 તાલુકાઓમાં હળવા ઝાંપટાથી માંડી અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ

વરસાદ વલસાડમાં 5॥ ઈંચ જેટલો વરસી ગયો હતો. પારડીમાં પણ સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ધરમપુરમાં પાંચ ઈંચ પાણી પડ્યું હતું. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગઈકાલે મેઘો મહેરબાન થયો હતો. લીલીયામાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલીમાં સવા ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સુરેન્દ્રનગરના વઢવાણમાં 40 મીમી, ભાવનગરના ગારિયાધારમાં 36 મીમી, રાજુલામાં 30 મીમી, ગઢડામાં 30 મીમી, વીંછીયામાં 25 મીમી, બાબરામાં 21 મીમી, મહુવામાં 19 મીમી, બોટાદમાં 14 મીમી, લાઠીમાં 10 મીમી, તાલાલામાં 10 મીમી, સાવરકુંડલામાં 9 મીમી, વડીયામાં 9 મીમી, ઘોઘામાં 9 મીમી, ઉપલેટામાં 8 મીમી, ઉના, ધારી, સાયલા, માંગરોળ, બગસરા, વિસાવદર, જેશર, જસદણ, જાફરાબાદ, લીંબડી, ભેંસાણ, તાલાલા, ખાંભા, પાલીતાણા, ઉમરાળા, રાણપુર, કોડીનાર અને સુત્રાપાડામાં સામાન્ય ઝાંપટા પડ્યા હતા.

આનંદો… ભાદર ડેમમાં 2.40 ફૂટ નવા નીરની આવક

34 ફૂટ ઓવર ફલો થતા ભાદર ડેમની સપાટી 20.30 ફૂટે પહોચી: ડેમમાં 527 એમસીએફટી પાણી આવતા રાજકોટને 15 જાન્યુઆરી સુધી નિરાંત

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાવાના કારણે જળ કટોકટી ઉભી થવા પામી છે. ભર ચોમાસે નર્મદાના નીર ડેમમાં ઠાલવવાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે ગતરાતે ગોંડલ પંથકમાં પડેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા જળાશય એવા ભાદર ડેમમાં નવા 2.40 ફૂટ પાણીની આવક થવા પામી છે. ડેમમાં નવું 527 એમસીએફટી પાણીની આવક થવાના કારણે રાજકોટને 15મી જાન્યુઆરી સુધી ચાલે તેટલો જળ જથ્થો ડેમમાં સંગ્રહિત થઈ ચૂકયો છે. જોકે ભાદર સિવાય રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા અન્ય એક પણ જળાશયમાં પાણીની આવક થવા પામી નથી.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના ઈજનેરી સુત્રોએ જણાવ્યું હતુ કે, ગોંડલ પંથક તથા ભાદર ડેમના સ્ત્રાવ વિસ્તારમાં વરસેલા વરસાદના કારણે આજે સવાર સુધીમાં ભાદર ડેમમાં નવા 2.40 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટે છલકાતા ભાદરની સપાટી 20.30 ફૂટે પહોચી જવા પામી છે. ડેમમાં હાલ 1983 એમસીએફટી પાણી સંગ્રહિત છે. મેઘરાજાએ એક જ રાતમાં રાજકોટને બે માસ સુધી ચાલે તેટલું પાણી ભાદર ડેમમાં ઠાલવી દીધું છે. ડેમમાં નવું 527 એમસીએફટી પાણી આવ્યું છે.

ભાદરમાંથી રાજકોટને રોજ 45 એમએલડી પાણી આપવામાં આવે છે. રાજકોટને 15મી જાન્યુઆરી સુધી ચાલે તેટલો જળ જથ્થો હાલ સંગ્રહિત છે. ગઈકાલે રાત્રે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ વરસવાના કારણે પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા પૈકીના એક એવા ભાદર ડેમની ઉંડાઈ 34 ફૂટની છે. અને ડેમમાં 6644 અમેસીએફટી પાણી સંગ્રહિત થાય છે. નવું 2.40 ફૂટ પાણીની આવક થવાના કારણે ભાદરની સપાટી 20.30 ફૂટે પહોચી જવા પામી છે. અને ડેમમાં 1983 એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત છે.

આ લખાય રહ્યું છે. ત્યારે પણ ડેમમાં ધીમી ધારે પાણીની આવક સતત ચાલુ છે. રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા આજી, ન્યારી-1, ન્યારી-2, અને લાલપરીમાં પાણીની આવક થવા પામી છે. વરસાદ ખેંચાતા કોર્પોરેશન દ્વારા સરકાર સમક્ષ આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.