સૌરાષ્ટ્રના સુકાની જયદીપ ઉનડકટે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ લીધી: બંગાળની ટીમે માત્ર બે રનમાં જ ત્રણ વિકેટો ગુમાવી દીધી

કોલકતાના ઐતિહાસિક  ઇડન ગાર્ડન ખાતે આજે સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની સીઝન 2023-2024ના ફાઇનલમાં સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે બંગાળને બેટીંગમાં ઉતાર્યુ હતું. સ્કોર બોર્ડ પર માત્ર ત્રણ રન નોંધાયા હતા. ત્યાં બન્ને ઓપનર સહિત કુલ ત્રણ બેટસમેનો પેવેલીયનમાં પરત ફરી ગયા હતા. સૌરાષ્ટ્રને મજબૂત શરૂઆત મળી છે. ટીમનો સ્કોર માત્ર 17 રને પહોચ્યો ત્યારે સુકાની મનોજ તિવારી આઉટ થઇ જતા બંગાળની ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગયું છે. ફાઇનલના પ્રથમ અડધી કલાકમાં જ સૌરાષ્ટ્રની ટીમે મેચ પર મજબુત પકડ મેળવી લીધી છે.

રણજી ટ્રોફીના ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સુકાનીનો આ નિર્ણય સચોટ પુરવાર થયો હતો. સ્કોર બોર્ડ પર માત્ર એક જ રન નોંધાયો હતો. ત્યાં સૌરાષ્ટ્રનો સુકાની જયદેવ ઉનડકટ ત્રાટકયો હતો. ઓપનર અભિમન્યુને ખાતુ ખોલે તે પહેલા જ પેવેલીયનમાં મોકલી દીધો હતો. આ વિકેટની કળ વળે તે પહેલા બંગાળની ટીમને બીજો ફટકો પડયો હતો સ્કોર બોર્ડ પર બે રન નોંધાયા ત્યારે ચેતન સાકરિયા ત્રાટકયો હતો. ઓપનર સુમન્તા ગુપ્તાને એક રનમાં શેલ્ડન જેકશનના હાથે ઝીલાવી બંગાળની ટીમને બીજો ઝટકો આપ્યો હતો. આ જ ઓવરમાં સાકરીયા ફરી બંગાળની ટીમ પર કાળ બનીને ત્રાટકયો હતો અને વન ડાઉન આવેલા સુદિપ કુમાર ધરમી ખાતુ ખોલાવે તે પહેલા જ કિલન બોલ્ડ કર્યો હતો. માત્ર ત્રણ રનમાં બંગાળની ટીમે મહત્વપૂર્ણ ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી.

મેચની પાંચમી અને પોતાના સ્પેલની ત્રીજી ઓવરમાં સુકાની જયદેવ ઉનડકટ ફરી ત્રાટકયો હતો. બંગાળનો સ્કોર માત્ર 17 રને પહોચ્યો ત્યારે સુકાની મનોજ તિવારીને વિશ્ર્વરાજ જાડેજાના હાથે ઝીલાવી બંગાળની ટીમને ચોથો ફટકો આપ્યો હતો. મેચના પ્રથમ અડધા કલાકમાં જ રણજી ટ્રોફીના ફાઇનલ પર સૌરાષ્ટ્રે મજબૂત પકડ મેળવી લીધી છે.

ટોસ જીતી ઇડન ગાર્ડનની વિકેટ પર ફિલ્ડીંગ લેવાનો જયદેવ ઉનડકટનો નિર્ણય સૌરાષ્ટ્રે માટે ફાયદાકારક સાબિત થયો હતો. વર્ષ 2019-2020 ની સિઝનમાં સૌરાષ્ટ્રની ટીમ બંગાળને હરાવી રણજી ટ્રોફીના ચેમ્પિયન બન્યું હતું. બંગાળની ટીમ છેલ્લા 34 વર્ષથી રણજી ટ્રોફીનુંટાઇટલ જીતી શકી નથી. સૌરાષ્ટ્રના બન્ને ઝડપી બોલરોનો સામનો કરવામાં બંગાળના ટોપ ઓર્ડર બેટસમેનો નિષ્ફળ રહ્યા છે.

ત્રીજી લીગ મેચથી પોતાની વિજય યાત્રાનો આરંભ કર્યો હતો. દિલ્હીની ટીમને સૌરાષ્ટ્રે એક ઇનીંગ અને 214 રનથી કારમો પરાજય આપ્યો હતો. હૈદરાબાદ સામેની મેચ પણ સૌરાષ્ટ્ર એક ઇનીંગ અને 57 રને જીત્યું હતું. આંધ્ર પ્રદેશ અને તામીલનાડુ સામેની મેચમાં સૌરાષ્ટ્રનો પરાજય થયો હતો. જો કે પંજાબ સામેની મેચમાં સૌરાષ્ટ્રની ટીમે વાપસી કરી હતી અને 71 રને વિજય મેળવ્યો હતો. આ કવાર્ટર ફાઇનલ મેચમાં જીત મેળવી સૌરાષ્ટ્ર સેમી ફાઇનલમાં પ્રવેશ્યું હતું. સેમી ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમે ટાઇટલ માટે મજબૂત દાવેદાર ગણાતી કર્ણાકટની ટીમને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. કાર્યકારી સુકાની અર્પીત વસાવડાએ સેમીફાઇનલમાં બેવડી સદી ફટકારી હતી. જે રીતે સૌરાષ્ટ્રની ટીમ એક જુથ બની રમી રહી છે તે જોતા તેવું લાગી રહ્યું છે. કે ફરી એકવાર સૌરાષ્ટ્ર પાસે રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનવાના ઉજવવા સંજોયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.