ગ્રાહકો દ્વારા બેંકના કામચોર કર્મચારીઓની ફરિયાદ ઉચ્ચકક્ષાએ કરાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પબ્લિક કેશલેસ તરફ વળે તે માટે અનેક યોજના-સ્કીમો બહાર પાડી છે જેને લોકોએ આવકારી પણ છે પરંતુ આંકડાઓ તરફ જોયે તો ગ્રામીણ લેવલે સરકારી બેંકો કરતા પ્રાઈવેટ બેંકોના ગ્રાહકો આ કેશલેશનો ઉપયોગ વધુ કરે છે તેનું કારણ પણ ચોંકાવનારું છે કે ગ્રામ્ય લેવલે સરકારી બેંકો ગ્રાહકોને કેશલેશ સુવિધાઓ તેમજ તેના સાધનો પુરા પાડવામાં નિષ્ફળ ગઈ છે તેનો આદર્શ નમુનો ભાટીયામાં બનવા પામ્યો છે.
ભાટીયા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં એક કરંટ ખાતેદાર દ્વારા કાર્ડ સ્વાઈપ મશીન માટે ડિસેમ્બર ૨૦૧૭ના રોજ એપ્લીકેશન કરેલ જેને આજ ૧૪ મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ મળવા પામેલ નથી. આ ૧૪ મહિનાના ગાળા દરમ્યાન અનેકો વખત ગ્રાહક ભાટીયા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ચકકર ખાઈ આવ્યા છે. બહાના તો અનેક મળ્યા પરંતુ હજુ સ્વાઈપ મશીન મળવા પામેલ નથી.
આ બાબતે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની રાજકોટ મેં શાખામાં કોન્ટેકટ કરતા ત્યાં ટેકનીકલ ડિપાર્ટમેન્ટના અલ્પેશભાઈ જાદવ દ્વારા જાણવામાં આવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો એક ભાગ છેને આ સ્વાઈપ મશીન તેઓ દ્વારા આપવામાં આવે છે ને નિયમોમાં ફેરફારને કારણે અરજદારનું ફોર્મ એસબીઆઈ દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે.
હવે ફરીથી નવું ફોર્મ ભરી એપ્લીકેશન કરવાની રહેશે. સળગતો પ્રશ્ર્ન એ છે કે નિયમોના ફેરફારની કે અન્ય કોઈ જાણ બેંક દ્વારા કયારેય ગ્રાહકોને કરવામાં આવી નથી ને અંધારામાં રાખવામાં આવ્યા છે. કસ્ટમરને અંધારામાં રાખીને હેરાન કરવા માટે કસ્ટમર દ્વારા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કામચોર કર્મચારીની ફરિયાદ ઉચ્ચકક્ષાએ કરી હોવાનું પણ જાણવા મળેલ છે.