આજે રાજકોટ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, વરસાદની સંભાવના નહિવત
ભારતમાં નેઋત્યના ચોમાસુ સતત પાછુ ઠેલાય રહ્યું છે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. રવિવારે રાજ્યના 133 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. હજી ચોમાસું બેઠુ નથી. પરંતુ પ્રિ-મોનસુન એક્ટિવીટીનો આરંભ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજે વરસાદની સંભાવના નહિવત છે. પરંતુ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં 30 થી 40 કિમીના ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 13 તાલૂકાઓમાં વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં મિનિ વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ આવી પડ્યો હતો.
અરબી સમુદ્રમાં સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયું છે. ગોવા અને યમનના વિશાળ દરમિયાન વચ્ચે સર્જાયેલું આ સાયક્લોનીક સરક્યુલેશન આગામી દિવસોમાં લો-પ્રેશર અને ડિપ્રેશન બાદ ચક્રવાતમાં ફેરવાય તેવી સંભાવના છે. આગામી 24 કલાકમાં આ સરક્યુલેશન ઉત્તર-ઉત્તર પશ્ર્ચિમ તરફ આગળ વધશે. જેની દિશા જો ગુજરાત તરફની રહેશે તો રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અને વરસાદ પડશે. ચાર દિવસ સુધી અસહ્ય ઉકળાટનો અનુભવ થશે.
ગઇકાલે સોમવારે રાજકોટ 41.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમરેલીનું તાપમાન 40.8 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 41.3 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 39.4 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 39.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.9 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 39.1 ડિગ્રી, વડોદરાનું તાપમાન 39.4 ડિગ્રી, કેશોદનું તાપમાન 36.4 ડિગ્રી, મહુવાનું તાપમાન 35.6 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 36.5 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 34.1 ડિગ્રી નોંધાયુ હતું.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 13 તાલુકાઓમાં હળવા ઝાપટાથી માંડી બે ઇંચ વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં ગાજવીજ અને મિનિ વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે વડગામમાં એક ઇંચ, ઇડરમાં પોણો ઇંચ, મોડાસા, સાંતલસાણામાં અર્ધા ઇંચ, ભીલોડા, દાંતા, વડાળી, હિંમતનગર, ખેડબ્રહ્મા, ઉંઝા, ધનસુરા અને લાઠીમાં હળવા ઝાપટા પડ્યા હતા. આજે રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત છે.
આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પરસેવે નિતારતો બફારાનો અનુભવ થઇ રહ્યો છે. બફારાથી લોકો અકળાય ઉઠ્યા છે. આગામી ચાર દિવસ બફારા યથાવત રહેશે. રાજ્યમાં પ્રિ-મોનસુન યથાવત રહેશે. રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવીટી શરૂ થઇ જવા પામી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવાના કારણે બફારાનો અનુભવ થઇ રહ્યો છે. લોકલ ફોર્મશનના કારણે સાંજના સમયે છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારતમાં નૈઋત્યનું ચોમાસુ મોડું છે. હજી ત્રણેક દિવસ બાદ કેરળમાં ચોમાસાનું આગમન થશે ત્યારબાદ એકાદ પખવાડીયા પછી ચોમાસાનું આગમન થશે. પ્રિ-મોનસુન એક્ટિવીટીની અસર તળે છાંટાછુટી ચાલુ જ રહેશે.
પરસેવે નિતારતા અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજકોટવાસીઓ બેવડો માર સહન કરી રહ્યા છે. એક તરફ છેલ્લા બે દિવસથી રાજ્યનું સૌથી ગરમ શહેર રહે છે. બીજી તરફ બફારાથી પણ લોકો અકળાય ગયા છે.
સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી થોડા દિવસ સુધી વરસાદ પડવાની સહેજ શક્યતા છે. જો કે, અધિકારીઓ અરબી સમુદ્રમાં વિકસિત થઈ રહેલા સાયક્લોન સર્ક્યુલેશન પર નજર રાખી રહ્યા છે, જે આગામી સમયમાં તીવ્ર બનવાની શક્યતા છે. ’સોમવારે સાંજે 5.30 વાગ્યે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર લો-પ્રેશર સર્જાયું હતું. આગામી 24 કલાકમાં તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે’, તેમ આઈએમડી દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસ સર્ક્યુલેશનનો માર્ગ નક્કી કરશે જે સાયક્લોનમાં ફેરવાઈ શકે છે. ’સિસ્ટમ અથવા તો ગુજરાતના દરિયાકાંઠાની વિરુદ્ધ દિશામાં જઈ શકે છે અથવા તો તે ઉત્તર તરફ આગળ વધી શકે છે. જો તે દરિયાકાંઠા નજીક રહેશે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની શક્યતા છે. કેરળમાં ગત વર્ષે 29 મેના રોજ ચોમાસુ બેસી ગયું હતું જ્યારે 2020માં પહેલી જૂન તો 2019માં 29 મેના રોજ પ્રારંભ થયો હતો.