જુલાઈ માસના પ્રથમ પખવાડિયામાં સાર્વત્રીક અને ભારે વરસાદ પડે તેવી કોઈ જ સંભાવના નથી. છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જો પખવાડિયામાં સંતોષકારક વરસાદ નહીં પડે અને જળાશયોમાં પાણીની આવક નહીં થાય તો રાજકોટમાં જળ કટોકટી સર્જાય તેવી ભીતિ ઉભી થવા પામી છે. શહેરની જળ જરૂરીયાત સંતોષતા આજી અને ન્યારી ડેમ જુલાઈ માસના અંતે ડુકી જશે. એકમાત્ર ભાદર 15 ઓગષ્ટ સુધી સાથ આપે તેવી સ્થિતિમાં છે.
ભાદરમાં 15 ઓગષ્ટ સુધી ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ: આજી અને ન્યારીમાંથી 31 જુલાઈ સુધી પાણી ઉપાડી શકાય તેવી સ્થિતિ
આજી ડેમની સપાટી હાલ 16.90 ફૂટ છે અને ડેમમાં 290 એમસીએફટી પાણી સંગ્રહીત છે. દૈનિક ઉપાડ માટે રોજ 5 એમએલડી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. 140 એમસીએફટી ડેડ વોટર હોય જે વિતરણ માટે ઉપયોગવામાં લેવાતું નથી. માત્ર 150 એમસીએફટી પાણી જ ઉપાડી શકાય તેમ છે.
આમ આજી ડેમ 31મી જુલાઈ આસપાસ સાથ છોડી દે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. જો સરળતાથી પાણીનો ઉપાડ ચાલુ રાખવો હોય તો 20 દિવસ ચાલે તેટલું જ પાણી ગણાવી શકાય છે.
બીજી તરફ ન્યુ રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ન્યારી ડેમની હાલત પણ કંઈક આવી જ છે. 14.40 ફૂટ ભરેલા ન્યારી ડેમમાં હાલ 374 એમસીએફટી પાણી છે. 31મી જુલાઈ સુધી ચાલે તેમ છે. જો બહુ જરૂરિયાત પડે તો 15મી ઓગષ્ટ સુધી માંડ માંડ પાણીનો જેમ તેમ ઉપાડ કરી ગાડુ ગબડાવી શકાય છે. એકમાત્ર ભાદરની સ્થિતિ સારી છે. ભાદરમાં હાલ 1400 એમસીએફટીથી વધુ પાણી સંગ્રહિત છે જે આસાનીથી 15 ઓગષ્ટ સુધી ચાલે તેમ છે.
નવા વિસ્તારોનો રાજકોટમાં સમાવેશ કરવામાં આવતા શહેરની દૈનિક જળ માગ 325 એમએલડીએ પહોંચી જવા પામી છે. જે પૂરી કરવા માટે ન્યારા અને બેડી પમ્પીંગ સ્ટેશન ખાતે 120 એમએલડી પાણી નર્મદાનું લેવામાં આવે છે. જ્યારે આજી ડેમમાંથી 120 એમએલડી, ન્યારીમાંથી 70 એમએલડી અને ભાદર ડેમમાંથી કરાર મુજબ 40 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે.
હાલ કોઈ ઉપાધી નથી પરંતુ જો એક પખવાડિયુ કે વધુમાં વધુ 20 દિવસમાં સંતોષકારક વરસાદ નહીં પડે અને રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા જળાશયોમાં પાણીની સંતોષકારક આવક નહીં થાય તો ઓગષ્ટના આરંભથી જ શહેરમાં જળ કટોકટી સર્જાય તેવી દહેશત છે.