નિપાહ વાઇરસને પહોંચી વળવા સિવીલ હોસ્પિટલ તંત્ર સજજ
દેશભરમાં સર્વરોગ નાબુદી અભિયાન દ્વારા જીવલેણ રોગોને જડમુળમાંથી ઉખેડી નાખી માનવ જીંદગીને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દેશભરમાં સમયાંતરે કોઇને કોઇ એક નવો જીવલેણ રોગ માથુ ઉંચકી રહ્યો છે. હાલમાં કેરલમાં હાહાકાર મચાવનાર નિપાહ વાઇરસ નામના રોગે દેખા દેતા અનેક માનવ જીંદગી કાળના મુખમાં હોમાઇ ગઇ છે.
નિપાહ વાઇરસના કારણે સમગ્ર દેશવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નિપાહ વાઇરસને પહોંચી વળવા તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે. ત્યારે રાજકોટ સીવીલ હોસ્પિટલ તંત્ર નિપાહ વાયરસને પહોંચી સજજ થઇ ગયું છે. અને આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. નિપાહ વાઇરસ સૌ પ્રથમ ૧૯૯૮ માં મલેશિયાના કાયુગ સુન્ગઇ નિપાહમાં જોવા મળ્યો હતો. તેથી જ તેને નિપાહ વાસરસ તરીકે ઓળખવામાં આવે છે.
ત્યારબાદ ૨૦૦૪માં બાંગ્લાદેશમાં આ વાઇરસ હોવાની પૃષ્ટિ થઇ હતી. હાલમાં દક્ષિણભારતના કેરળ રાજયમાં નિપાહ વાઇરસે દેખા દીધી છે. આ જીવલેણ રોગે જોત જોતામાં અનેક માનવ જીંદગી હણી લીધી છે અને અનેક લોકો આ રોગમાં સપડાયા છે. ત્યારે ભારત સરકાર દ્વારા તમામ રાજયોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા રાજયની તમામ હોસ્પિટલોને સજજ રહેવા સુચના આપી છે.
સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટની સીવીલ હોસ્પિટલ તંત્ર દ્વારા પાણી પહેલા પાળ બાંધવાની તૈયારી રુપે ઇમરજન્સી બીલ્ડીંગના ત્રીજા માળે આવેલા સ્વાઇનફલુ વોર્ડને આઇસોલેશન વોર્ડ તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે. આ રોગને પહોંચી વળવા સીવીલ હોસ્પિટલ તંત્ર સસજજ હોવાનું જાણવા મળ્યું
ચામાચીડીયા અને ભૂંડમાંથી ફેલાતા નિપાહ વાઇરસની આજ સુધી કોઇ રસી કે દવા શોધી શકાય નથી જેને પગલે આ રોગ જેને લાગુ પડયો હોય તેને આઇસોલેશન વોર્ડમાં રાખી સપોટીંગ સારવાર આપવામાં આવે છે. અને ડિહાઇડ્રેશન થતું અટકાવાય છે ઉપરાંત આવા દર્દીઓમાં રોગ પ્રતિકારક શકિત વધારવા માટેના પ્રયાસો કરવામાં આવે છે.
નિપાહ વાઇરસ અંગે લોક જાગૃતિ જરૂરી: સિવીલ સર્જન ડો. મનીષ મહેતા
નિપાહ વાઇરસને પહોંચી વળવા રાજયના આરોગ્ય વિભાગના એલર્ટના પગલે સીવીલ હોસ્પિટલના સ્વાઇનફલુ વોર્ડમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. સીવીલ હોસ્પિટલમાં નિપાહ વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી. સ્વાઇન ફલુ અને કોગો ફિવરની જેમ નિપાહ વાઇરસનો લેબોરેટરી રિપોર્ટ પણ સીવીલ હોસ્પિટલમાં થઇ શકશે નહી તેથી દર્દીના લોહીના નમુના પુર્ણ ખાતે મોકલવામાં આવશે નિપાહ વાઇરસ અંગે જાગૃત રહેવા સીવીલ સર્જન ડો. મનીષ મહેતાએ જણાવ્યું છે.
નિપાહ વાઇરસના લક્ષણો
જો કોઇ વ્યકિતને સતત ૧૦ દિવસથી તાવ આવતો હોય, માથામાં દુખાવો થવો, સુસ્તી ચડવી અને માનસીક અસ્વસ્ત હોય તેવું લાગતું હોય તેઓને આ વાઇરસ થવાની શકયતા રહેલી છે. અને આવી વ્યકિતના સંપર્કમાં આવતા અન્ય લોકોને પણ આ ચેપી રોગ લાગુ પડે તેવી સંભાવના રહેલી છે.
નિપાહ વાઇરસ કેવી રીતે ફેલાય છે
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનની યાદી મુજબ નિપાહ વાઇરસ ચામાચીડીયા અને ભૂંડના સંપર્કમાં આવવાથી થાય છે. તેના પેશાબ, મળ, લાળ તથા ઉત્સર્ગીક પ્રવાહીમાં જોવા મળે છે. આ ઉ૫રાંત ચામાચીડીયાએ કોઇ ફળ ખાધુ હોય અને એ ફળ જો કોઇ માનવી કે પાલતું પાણી ખાય તો પણ આ વાઇરસ ફેલાતો હોય છે.
ચામાચીડીયા અને ભૂંડની આશ્રય સ્થાનોની માહીતી મેળવવા વન વિભાગમાં દોડધામ
નિપાહ વાઇરસ ચામાચીડીયા અને ભૂંડ મારફતે લોકો અને પશુ-પક્ષી સુધી પહોચતો વાઇરસ હોવાથી ચામાચીડીયા અને ભૂંડના આશ્રયસ્થાનો અંગેની માહીતી મેળવવા માટે વન વિભાગ દોડતું થઇ ગયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com