અંતે સૌરાષ્ટ્રવાસીઓને પણ ઘર આંગણે મળશે મલ્ટી સ્પેશ્યાલીસ્ટ સારવાર: મેડિકલ એજયુકેશન અને રીસર્ચ માટે પણ અનેક ઉપલબ્ધીઓ
રાજકોટને એઈમ્સ મળવાની સતાવાર જાહેરાત થતા વેત જ સૌરાષ્ટ્રમાં જાણે અવસર હોય તેવો માહોલ સર્જાવવા પામ્યો હતો. સૌરાષ્ટ્રભરના લોકોએ રાજકોટને એઈમ્સ આપવાના આ નિર્ણયને હર્ષભેર વધાવીને ખુશી વ્યકત કરી હતી. નોંધનીય છે કે રાજકોટને એઈમ્સ મળતા સૌરાષ્ટ્રભરના દર્દીઓને ઘરઆંગણે મલ્ટી સ્પેશ્યાલીસ્ટ સારવાર મળી રહેશે. ઉપરાંત એઈમ્સના કારણે રાજકોટ મેડિકલ એજયુકેશન તેમજ રીસર્ચ માટેનું પણ હબ બનશે.
અગાઉ ગુજરાતના રાજકોટ અને વડોદરામાંથી કોઈ એક શહેરને એઈમ્સની મંજુરી આપવામાં આવનાર હતી પરંતુ છેલ્લા થોડા સમયથી રાજકોટને એઈમ્સ મળશે તેવી વાતો ફરતી થઈ હતી અને અંતે હકિકતમાં રાજકોટને એઈમ્સ મળવાની સતાવાર જાહેરાત થતા સૌરાષ્ટ્રભરમાં જાણે તહેવાર હોય તેવો માહોલ છવાઈ જવા પામ્યો છે.
અગાઉ જસદણ પેટાચુંટણી વખતે જ એઈમ્સ રાજકોટને આપી દીધી હોવાનું જાહેર થયું હતું પરંતુ આ અંગે કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્યમંત્રી નિતીનભાઈ પટેલે રાજકોટને એઈમ્સ આપવામાં આવી હોવાની સતાવાર રીતે જાહેરાત કરી હતી. તેઓના જણાવ્યા મુજબ ૧૨૦૦ કરોડના ખર્ચે રાજકોટના પરાપીપળીયા નજીક ૨૦૦ એકર જમીનમાં એઈમ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે.
પૂર્વ અધિકારીઓની મહેનત રંગ લાવી: એઈમ્સ માટે બેઠકોના દૌર ચાલ્યા‘તા
રાજકોટ જિલ્લાના પૂર્વ અધિકારીઓની મહેનત રંગ લાવતા રાજકોટને એઈમ્સ મળી છે. હાલના અમદાવાદ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે જયારે રાજકોટ જિલ્લાના કલેકટર હતા ત્યારે એઈમ્સની ચળવળ ઉઠી હતી. કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક તબકકા દરમિયાન રાજકોટના બે સ્થળોની વિગતો મંગાવાઈ હતી. ઉપરાંત તેઓ દ્વારા રાજકોટની વિઝીટ પણ કરવામાં આવી હતી. એઈમ્સ માટે રાજકોટ જિલ્લાના અધિકારીઓ દ્વારા અનેક બેઠકોના દોર ચાલ્યા હતા જેમાં હાલના ભુજના ડીડીઓ તેમજ તે વખતે રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી પ્રભવ જોશી તેમજ તે વખતના પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની સહિતના અધિકારીઓએ જે મહેનત કરી હતી તે અંતે મળી છે.
રાજય સરકારને કરાયેલા રીપોર્ટમાં ૩૦૭ એકર સરકારી અને ૮ એકર ખાનગી જમીન બતાવાઈ
જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અગાઉ એઈમ્સ માટે રાજય સરકારને રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પરાપીપળીયા નજીકની કુલ ૩૧૫ એકર જમીન બતાવવામાં આવી હતી. જેમાં ૩૦૭ એકર સરકારી જમીન હતી જયારે ૮ એકર જમીન ખાનગી હતી. આ રીપોર્ટમાં સંપાદન કરવાપાત્ર થતી ખંઢેરીની સર્વે નં.૨૭ની ૧૦,૩૧૯ ચો.મી., પરાપીપળીયાની સર્વે નં.૧૭૦ની ૨૧,૩૪૭ ચો.મી. અને સર્વે નં.૧૬૭ની ૨૯૩૪ ચો.મી.મળી કુલ ૩૪,૬૦૦ ચો.મી. ખાનગી જમીન બનાવવામાં આવી હતી. આ જમીનના જંત્રી દર મુજબ રૂ.૨,૫૧,૦૦,૦૫૦ ચુકવવાપાત્ર થતા હતા. આ ઉપરાંત રીપોર્ટમાં ખંઢેરીની સર્વે નં.૧૬ પૈકી ૩ની ૬,૬૫,૯૦૮ ચો.મી. તેમજ પરાપીપળીયાની સર્વે નં.૧૯૭ની ૫,૪૩,૫૯૨ ચો.મી. મળીને ૧૨,૦૯,૫૦૦ ચો.મી. સરકારી ખરાબાની જમીન બતાવવામાં આવી હતી.
તબીબી શિક્ષણ અને રીસર્ચ માટે એઈમ્સ અનેક તકોનું સર્જન કરશે
રાજકોટને એઈમ્સ મળવાથી સૌરાષ્ટ્રમાં તબીબી શિક્ષણ અને રીસર્ચ માટે અનેક તકોનું સર્જન થનાર છે. રાજકોટમાં એઈમ્સથી હૃદય, કેન્સર, કિડની, લીવર, વાલ્વ સહિતની ગંભીર બિમારીની ૨૪ કલાક અદ્યતન સારવાર સાથે ટીચીંગ અને રીસર્ચ ક્ષેત્રે પણ ક્રાંતી આવશે.
પરાપીપળીયા ખાતે નિર્માણ પામનાર એઈમ્સ સંકુલમાં મેડિકલ કોલેજ પણ ઉપલબ્ધ હશે જયાં રાષ્ટ્રીય કક્ષાનું એજયુકેશન પુરું પાડવામાં આવશે. સાથે રીસર્ચ માટે પણ અનેક સ્કોપ ઉભા થશે.
પરાપીપળીયા નજીક રૂ.૭૧ કરોડના ખર્ચે રેલવે લાઈન પર બ્રિજ બનાવવાની તૈયારી
એઈમ્સ માટે પરાપીપળીયા નજીક જે જગ્યા ફાળવવામાં આવી છે તે પહેલા એક રેલવે ક્રોસીંગ આવે છે. આ ક્રોસીંગના કારણે પરીવહનમાં કોઈ તકલીફ પડે નહીં તે માટે બ્રિજ નિર્માણનું એસ્ટીમેન્ટ પણ તૈયાર કરી નાખવામાં આવ્યું હતું.
જેમાં રૂ.૭૧ કરોડના ખર્ચનો અંદાજ કાઢવામાં આવ્યો છે. અગાઉ કેન્દ્ર સરકારની ટીમે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ ફાટકને લીધે પરીવહન પર કોઈ અસર ન થાય તે માટે શું પગલા લેવામાં આવનાર છે જેના જવાબમાં વહિવટી તંત્રએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી ઓવરબ્રિજના નિર્માણ અર્થેનું એસ્ટીમેન્ટ કઢાવીને તેને કેન્દ્ર સરકારની ટીમને સોંપ્યું હતું.
રાજકોટને એઈમ્સ મળતાં તત્કાલીન જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે પણ થયા ગદગદીત
રાજકોટને એઈમ્સ મળવાનાં સમાચાર મળતા રાજકોટ જિલ્લાના તત્કાલીન કલેકટર ડો.વિક્રાંત પાંડે પણ ગદગદીત થયા છે. રાજકોટને એઈમ્સ મળવા બદલ તેઓએ ખુશી પણ વ્યકત કરી છે. નોંધનીય છે કે એઈમ્સ માટે જયારે પ્રાથમિક તબકકે રાજકોટ શહેરનું નામ આવ્યું હતું ત્યારે તે સમયના રાજકોટ જિલ્લાના કલેકટર ડો.વિક્રાંત પાંડેએ પોતાની શુઝબુઝથી સ્થળોની પસંદગી કરીને સૌરાષ્ટ્રના લાભાર્થે રાજકોટને એઈમ્સ મળે તેવા પુરતા પ્રયત્નો કર્યા હતા. તેઓએ કરેલી આ મહેનત અંતે સફળ રહેતા રાજકોટને એઈમ્સ મળ્યું છે.