મોરબીમાં 5 ઇંચ, વડીયામાં બે ઇંચ, ટંકારા અને વઢવાણમાં પોણા બે ઇંચ, ધ્રાંગધ્રા, ધોરાજી, જેતપુર, રાજકોટ, વાંકાનેર, ધ્રોલ, જોડિયા, તાલાલા, અમરેલી, રાજુલા, ભાવનગરમાં એક ઇંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઇ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સવારથી ગીર સોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે. આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં સિઝનનો 39.43 ટકા જેટલો વરસાદ પડી ગયો છે.
ગઇકાલે રવિવારે રાજ્યના અન્ય પ્રદેશોની સરખામણીએ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર થોડું ઓછું રહેવા પામ્યું હતું. સૌથી વધુ વરસાદ મોરબી શહેરમાં પાંચ ઇંચ સુધી વરસી ગયો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાના વડીયામાં બે ઇંચ, મોરબીના ટંકારા અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગઇકાલે બપોરે રાજકોટમાં પણ એક ઇંચ પાણી પડી ગયું હતું.
આવતીકાલથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર વધશે. આજે સવારથી વાતાવરણ મેઘાવી બની ગયું છે. મેઘરાજા ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધીંગીધારે હેત વરસાવી રહ્યા છે. રવિવારે ધ્રાંગધ્રા, ધોરાજી, જેતપુર, રાજકોટ, વાંકાનેર, ધ્રોલ, જોડીયા, તાલાલા, અમરેલી, રાજુલા, ભાવનગર, ઘોઘામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ચોટીલા, સાયલા, લખતર, ગોંડલ, જામ કંડોરણા, કોટડા સાંગાણી, લોધિકા, જામનગર, માળીયા મિયાણા, વિસાવદર, ગીર ગઢડા, ઉના, વેરાવળ, જાફરાબાદ, મહુવા, સિહોર, પાલીતાણા, ઉંમરાડા અને રાણપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં મોેસમનો કુલ 39.43 ટકા વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં પણ મેઘાવી માહોલ જામ્યો છે અને મેઘરાજા હેત વરસાવી રહ્યા છે.