છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓના 197 તાલુકામાં વરસાદ વરસ્યો: સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: રાજ્યમાં સીઝનનો 71.22 ટકા વરસાદ
કચ્છમાં 75 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 58.86 ટકા, દક્ષિણ ગુજરાતમાં 72.34 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 56.41 ટકા વરસાદ
મેઘરાજાએ છેલ્લા ત્રણ દિવસમાં અનરાધાર મહેર વરસાવતા સૌરાષ્ટ્રમાં પાણીદાર સ્થિતિ બની જવા પામી છે. પખવાડિયા પહેલા જ્યાં દુષ્કાળની દહેશત વર્તાઈ રહી હતી તે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં હવે સોળ આનીથી પણ સવાયુ વર્ષ રહે તેવા સુખદ સંજોગો વર્તાઈ રહ્યાં છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં રાજ્યમાં આજ સુધીમાં મોસમનો કુલ 71.22 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં રાજ્યનો સૌથી વધુ 84.24 ટકા વરસાદ પડ્યો હોવાનું નોંધાય છે. જો કે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ હજુ સંતોષકારક વરસાદથી વંચિત છે. સોમવારે વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી દીધી હતી. જો કે, હજુ 19મી સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે પરંતુ સીસ્ટમનું જોર ઘટતા આજથી વરસાદનો વ્યાપ ઘટશે તેવું હવામાન વિભાગના સુત્રો જણાવી રહ્યાં છે.
આજે સવારે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 197 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં મંગળવારે પણ મેઘમહેર યથાવત રહેવા પામી હતી. રાજકોટ જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ 3॥ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જ્યારે જામનગર જિલ્લામાં પણ અડધાથી 3॥ ઈંચ વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકામાં ॥ થી 2॥ ઈંચ, પોરબંદર જિલ્લામાં પણ ॥ થી 2॥ ઈંચ, જૂનાગઢ જિલ્લામાં 1 થી લઈ 6 ઈંચ, ગીર સોમનાથ જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ 2 ઈંચ સુધી, અમરેલી જિલ્લામાં 2॥ ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં માત્ર હળવા ઝાપટા પડ્યા હતા.
કચ્છ પ્રદેશમાં પણ હળવા ઝાંપટાથી લઈ 3 ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો.આજે સવારથી દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ભરૂચ અને વલસાડમાં વરસાદ વરસી રહ્યાંના અહેવાલો મળી રહ્યાં છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં સંતોષકારક વરસાદ ભલે ન વરસ્યો હોય પરંતુ સપ્ટેમ્બર માસના એક જ પખવાડિયામાં મેઘરાજાએ તમામ ખાદ્ય પૂર્ણ કરી દીધી છે. આજ સુધીમાં ગુજરાતમાં સીઝનનો 71.22 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં પડ્યાનું નોંધાયું છે.
1991 થી લઈ 2020 સુધીમાં સૌરાષ્ટ્રમાં ચોમાસાની સીઝનમાં સરેરાશ 700.62 મીમી વરસાદ પડે છે. જેની સરખામણીએ આજ સુધીમાં 590.20 મીમી જેટલો એટલે કે, 84.24 મીમી વરસાદ વરસી ગયો છે. કચ્છમાં પણ આ વખતે મેઘમહેર ઉતરી છે. કચ્છ પ્રદેશમાં 75.02 ટકા, ઉત્તર ગુજરાતમાં 56.41 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 58.86 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 72.34 ટકા વરસાદ પડ્યો છે.
હજુ 19મી સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. સાથે સાથે 30મી સુધી રાજ્યમાં ચોમાસુ વિદાય લે તેવી સંભાવના ખુબજ ઓછી હોય આ વર્ષે ગુજરાતમાં 100 ટકાથી પણ વધુ વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.