દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ૧૪૬.૬૦ ટકા અને ભાવનગર જિલ્લામાં સૌથી ઓછો ૩૦.૮૭ ટકા વરસાદ: રાજયનાં બે તાલુકામાં ૪૦ ઈંચથી વધુ, ૧૯ તાલુકાઓમાં ૨૦ થી લઈ ૩૯ ઈંચ સુધીની મેઘમહેર
માંગ્યા મેઘ વરસ્યા બાદ વરાપ નિકળતા જગતાત ખેતીકામમાં પોરવાયો: છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૭ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ સવા ઈંચ સુધી વરસાદ
અષાઢ મહિનો ચાલી રહ્યો છે ત્યાં મેઘરાજાએ મહેર ઉતારતા સૌરાષ્ટ્રમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો ૫૫.૯૭ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. દર વખતે ચોમાસામાં કોરો ધાકોડ રહેનાર કચ્છમાં આ વર્ષે વરૂણદેવે વિશેષ વ્હાલ વરસાવ્યું હોય તેમ રાજયમાં સૌથી વધુ વરસાદ કચ્છ રીજીયનમાં ૭૧.૭૩ ટકા વરસ્યો છે. માંગ્યા મેઘ વરસ્યા બાદ સમયાંતરે જ વરાપ નિકળતા જગતાત હોંશભેર ખેતીકામમાં પોરવાયો ગયો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૧૨૭ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ સવા ઈંચ સુધી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. એકંદરે સૌરાષ્ટ્રમાં મેઘવિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ છલકાતા નદી-નાળાનાં કારણે જળાશયોમાં ધીમીધારે પાણીની આવક સતત ચાલુ છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં જણાવ્યા અનુસાર આજ સુધીમાં રાજયમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો કુલ ૨૮.૬૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છમાં સૌથી વધુ ૭૧.૭૩ ટકા તો ઉતર ગુજરાતમાં સૌથી ઓછો ૧૫.૫૫ ટકા જેટલો વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં ૫૫.૯૭ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૭.૯૮ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૬.૯૮ ટકા વરસાદ પડયો છે. રાજયનાં ૨૫૧ તાલુકા પૈકી એક પણ તાલુકો એવો નથી કે જયાં મેઘરાજાએ મહેર ના ઉતારી હોય. બે તાલુકાઓમાં ૪૦ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે ૨૦ તાલુકાઓમાં ૨૦ થી લઈ ૩૯ ઈંચ સુધી, ૯૮ તાલુકાઓમાં ૫ થી લઈ ૧૦ ઈંચ સુધી અને ૬૦ તાલુકાઓમાં ૨ લઈ ૫ ઈંચ સુધી વરસાદ પડયો છે.
સૌરાષ્ટ્રમાં જિલ્લા વાઈઝ જોવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૩.૩૮ ટકા, રાજકોટ જિલ્લામાં ૪૯.૧૩ ટકા, મોરબી જિલ્લામાં ૫૦.૫૧ ટકા, જામનગર જિલ્લામાં ૮૮.૦૩ ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેકોર્ડબ્રેક ૧૪૬.૬૦ ટકા, પોરબંદર જિલ્લામાં ૯૮.૬૨ ટકા, જુનાગઢ જિલ્લામાં ૫૬.૧૦ ટકા, ગીર સોમનાથ જિલ્લામાં ૪૯.૩૧ ટકા, અમરેલી જિલ્લામાં ૫૨.૩૫ ટકા, ભાવનગર જિલ્લામાં ૩૦.૮૭ ટકા અને બોટાદ જિલ્લામાં ૪૩.૪૮ ટકા વરસાદ પડયો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૧૨૭ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ સવા ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
સૌરાષ્ટ્રમાં માંગ્યા મેઘ વરસયા બાદ છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લેતા જગતાત હોંશભેર ખેતીકામમાં પોરવાઈ ગયો છે. આગામી એક સપ્તાહ સુધી મેઘવિરામ જેવો માહોલ રહે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.