રણજી ટ્રોફીની આ વર્ષની સીઝનની શરૂઆત 10મી ફેબ્રુઆરીથી થશે. ટુર્નામેન્ટનો પહેલો તબક્કો 10 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ચાલશે તો બીજો તબક્કો 30 મે થી 26 જૂન સુધી રમાશે. ટુર્નામેન્ટમાં કુલ 39 ટીમો ભાગ લેશે. ચાર-ચાર ટીમના આઠ એલીટ ગૃપ બનાવવામાં આવશે જ્યારે બાકી બચેલી છ ટીમને પ્લેટ ડીવીઝનમાં જગ્યા અપાશે. ટુર્નામેન્ટ દરમિયાન 62 દિવસમાં 64 મુકાબલા રમાશે.
પ્રથમ તબક્કામાં 57 મેચ રમાશે જ્યારે બીજા તબક્કામાં 7 નોકઆઉટ મેચ હશે. જેમાં ચાર ક્વાર્ટર ફાઇનલ ઉપરાંત બે સેમીફાઇનલ અને ફાઇનલ મેચ હશે. આ માટે આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સિનીયર સીલેક્શન કમિટીએ સૌરાષ્ટ્રની ટીમની જાહેરાત કરી છે. જેમાં જયદેવ ઉનડકટની કપ્તાની હેઠળ અન્ય 20 નામોની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એલીટ ગૃપના મેચ રાજકોટ, કટ્ટક, ચેન્નઇ, અમદાવાદ, ત્રિવેન્દ્રમ, દિલ્હી, હરિયાણા અને ગુવાહટીમાં રમાશે જ્યારે પ્લેટ લીગ મેચ કોલકત્તામાં રમાશે, સૌરાષ્ટ્રની ટીમ પોતાના લીગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ઉપર રમશે. તો ગુજરાતની ટીમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડયમ ઉપર મેચ રમશે.
સૌરાષ્ટ્ર અને સ્થાનિક હેવીવેઇટ અને 41 વખતના રણજી ચેમ્પીયન મુંબઇ, ઓડિસા અને ગોવાની સાથે રાખવામાં આવ્યું છે. પસંદગીકારોએ ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને સુકાની તરીકે નિયુક્ત કર્યા છે. આઇપીએલમાં આગવી ઓળખ બનાવનાર ફાસ્ટ બોલર ચેતન સાકરીયાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શેલ્ડન જેક્શન, અર્પિત વસાવડા, ચિરાગ જાની, ચેતેશ્ર્વર પુજારા, કમલેશ મકવાણા, ધર્મેન્દ્રસિંહજી જાડેજા, પ્રેરક માંકડ, વિશ્ર્વરાજસિંહ જાડેજા, હાર્વિક દેસાઇ, કેવીન જીવરાજાની, કુશાંગ પટેલ, જય ચૌહાણ, સમર્થ વ્યાસ, પાર્થ ભૂત, યુવરાજસિંહ ચુડાસમા, દેવાંગ કરમટા, સ્નેલ પટેલ, કિશન પરમાર અને આદિત્ય જાડેજાની પસંદગી કરવામાં આવી છે.