પાંચેય ટીમનાં કેપ્ટન જાહેર કરાયા: ખેલાડીઓએ નેટ પ્રેકટીસ કરી પરસેવો પાડયો
સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની પહેલી સિઝનનો આવતીકાલ એટલે કે ૧૪મી મેથી પ્રારંભ થવા જઈ રહ્યો છે તે પૂર્વે ટુર્નામેન્ટમાં ભાગ લેનારી પાંચેય ટીમનાં કેપ્ટન અને વાઈસ કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલથી જ તમામ ટીમનાં ખેલાડીઓએ નેટ પ્રેકટીસ કરીને પરસેવો પાડયો હતો.
આવતીકાલથી શરૂ થનારી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનાં તમામ પાંચેય ટીમનાં કેપ્ટન અને વાઈસ કેપ્ટનની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં હાલાર હિરોઝ ટીમનાં કેપ્ટન તરીકે અર્પિત વસાવડા અને વાઈસ કેપ્ટન તરીકે હાર્વિક દેસાઈની પસંદગી કરાઈ છે તેમજ કોચ તરીકે નિરજ ઓડેદરાની પસંદગી કરવામાં આવી છે. ગોહિલવાડ ગ્લેડીયટર્સનાં કપ્તાન અને વાઈસ કપ્તાન તરીકે કિશન પરમારની પસંદગી કરાઈ છે.
કોચ તરીકે અમિત શુકલ માર્ગદર્શન પુરું પાડશે. કચ્છ વોરીયર્સનાં કપ્તાન તરીકે જયદેવ ઉનડકટ અને વાઈસ કપ્તાન તરીકે અગ્નિવેશ અય્યાતીની પસંદગી કરાઈ છે અને કોચ તરીકે હિતેશ ગોસ્વામીની પસંદગી કરવામાં આવી છે. સોરઠ લાયન્સનાં કપ્તાન તરીકે સાગર જોગીયાણી અને વાઈસ કપ્તાન તરીકે ચિરાગ જાનીની જયારે કોચ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની પસંદગી કરાઈ છે.
ઝાલાવાડ રોયર્લ્સનાં કપ્તાન તરીકે ચેતેશ્વ પુજારા અને વાઈસ કપ્તાન તરીકે શેલ્ડન જેકશનની પસંદગી કરાઈ છે અને તે ટીમનાં કોચ સિતાંશુ કોટકની પસંદગી થઈ છે.આઠેય ટીમનાં શુકાનીઓની જાહેરાત કરાયા બાદ તમામ ખેલાડીઓએ એસપીએલમાં લડી રહેવા રવિવારે રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે તનતોડ મહેનત કરીને પરસેવો પાડયો હતો. રાજકોટમાં આવતીકાલથી મીની આઈપીએલ જેવો જ માહોલ સર્જાશે અને આગામી ૨૨મી મેએ એસ.પી.એલ.નો ફાઈનલ રમાશે.