હાલાર હિરોઝ, ઝાલાવડ રોયલ્સ, કચ્છ વોરિયર્સ, ગોહિલવાડ ગ્લેડીયર્સ અને સોરઠ લાયન્સની ટીમો: 11 મેચ રમાશે, 11મી જૂને ફાઇનલ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની બીજી સીઝનનો આગામી 2જી જૂનથી આરંભ થશે. જેમાં કુલ પાંચ ટીમો વચ્ચે ફાઇનલ સહિત 11 મેચ રમાશે. 9 મેચ નાઇટ અને બે મેચ બપોરે રમાશે. એસપીએલનો ફાઇનલ મેચ 11મી જૂનના રોજ રમાશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા શરૂ કરવામાં આવેલી સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની પ્રથમ સીઝનને ભારે સફળતા મળી હતી. જેને લઇને હવે એસસીએ દ્વારા એસપીએલ-2ની આજે જાહેરાત કરવામાં આવી છે. જેનો આરંભ 2જી જૂનથી થશે. આ ટૂર્નામેન્ટમાં હાલાર હિરોઝ, ઝાલાવડ રોયલ્સ, કચ્છ વોરિયર્સ, ગોહિલવાડ ગ્લેડીયર્સ અને સોરઠ લાયન્સ સહિત કુલ પાંચ ટીમો વચ્ચે ટાઇટલ જીતવા માટે રોમાંચક જંગ જામશે. 2જી જૂનના રોજ સાંજે 7:00 વાગ્યે પ્રથમ મુકાબલો સોરઠ લાયન્સ અને ઝાલાવડ રોયલ્સ વચ્ચે થશે. 3જી જૂનના રોજ હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચે ટક્કર થશે. 4થી જૂનના રોજ ઝાલાવડ રોયલ્સ સામે ગોહિલવાડ ગ્લેડીયર્સ ટકરાશે. જ્યારે 5 જૂનના રોજ બે મુકાબલા રમાશે જેમાં બપોરે 3:00 કલાકે હાલાર હિરોઝ અને ઝાલાવડ રોયલ્સ વચ્ચે અને સાંજે 7:00 વાગ્યે કચ્છ વોરિયર્સ અને સોરઠ લાયન્સ વચ્ચે જંગ જામશે.
6 જૂનના રોજ ગોહિલવાડ ગ્લેડીયર્સ અને સોરઠ લાયન્સ વચ્ચે, 7 જૂનના રોજ કચ્છ વોરિયર્સ અને ઝાલાવડ રોયલ્સ વચ્ચે, 8 જૂનના રોજ બે મુકાબલા રમાશે જેમાં બપોરે 3:00 વાગ્યે ગોહિલવાડ ગ્લેડીયર્સ અને કચ્છ વોરિયર્સ વચ્ચે જ્યારે સાંજે 7:00 કલાકથી સોરઠ લાયન્સ અને હાલાર હિરોઝ વચ્ચે જંગ જામશે. 9 જૂન રેસ્ટ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. 10મી જૂને ગોહિલ ગ્લેડીયર્સ અને હાલાર હિરોઝ વચ્ચે અંતિમ લીગ મેચ રમાશે. ટૂર્નામેન્ટનો ફાઇનલ મેચ 11મી જૂનને શનિવારના રોજ રમાશે. લીગ રાઉન્ડમાં પોઇન્ટ ટેબલ પર ટોપ ટુ ટીમો વચ્ચે ફાઇનલ જંગ જામશે.