આજે સાંજે સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ ટૂર્નામેન્ટની લોન્ચીંગ સેરેમની: ૧૪મીથી સોરઠ લાયન્સ, ગોહિલવાડ ગ્લેડીયેટર્સ, હાલાર હિરોઝ, ઝાલાવાડ રોયલ્સ અને કચ્છ વોરિયર્સ વચ્ચે ટકકર: ૨૨મીએ ફાઇનલ
એસપીએલમાં સૌરાષ્ટ્રના અનુભવી ક્રિકેટરોની સાથે નવોદિત ક્રિકેટરોને રમવાની તક મળશે
સૌરાષ્ટ્રના ઉગતા ક્રિકેટરોને એક વધુ પ્લેટફોર્મ મળે તેવા હેતુ સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી ૧૪મી મેથી સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ૧૪મી મેથી મિનિ આઇપીએલ જેવો માહોલ સર્જાશે જ્યાં સૌરાષ્ટ્રની પાંચ ટીમ વચ્ચે ટક્કર જામશે અને ફાઇનલ મેચ ખંઢેરી સ્ટેડિયમમાં જ ૨૨મી મેના રોજ યોજાશે. આ સમગ્ર ટૂર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગે એસપીએલના લોગાનું આજરોજ અનાવરણ કર્યા બાદ સ્ટેડિયમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
Sorath Lionsપત્રકાર પરિષદ સંબોધતા બીસીસીઆઇના પૂર્વ સચિવ નિરંજન શાહે જણાવ્યું હતું કે ફોર્મેટ વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે અને આઇપીએલ ટૂર્નામેન્ટ વિશ્વભરમાં સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ તરીકે ઉભરી આવી છે ત્યારે સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ શ‚ કરવાથી સમગ્ર સૌરાષ્ટ્રના ઉભરતા ક્રિકેટરોને એક નવુ પ્લેટફોર્મ મળશે અને ક્રિકેટર કેરિયરના દ્વારા પણ અહીંથી ખુલશે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌરાષ્ટ્રની ટીમે ક્રિકેટના તમામ ફોર્મેટમાં ખૂબ જ સારો દેખાવ કર્યો છે અને સૌરાષ્ટ્રે ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, જયદેવ ઉન્ડકટ અને અન્ય ઘણા સારા ક્રિકેટરો ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન પામીને સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે અને એસપીએલ દરમિયાન સૌરાષ્ટ્રના અનુભવી ક્રિકેટરોની સાથે નવોદીત અને ઉભરતા ક્રિકેટરોને ટામવાની તક મળશે. ૧૪મીથી ખંઢેરીમાં મીની આઇપીએલ જેવો માહોલ જામવાનો છે. આઇપીએલની જેમ એસપીએલમાં પણ ડીજે તેમજ ચીયર લીડર્સ સાથે ક્રિકેટર રસિયાઓ મેચ નિહાળી શકશે.
Kutch Warriorsસૌરાષ્ટ્રના ભૂતપૂર્વ કેપ્ટન અને એસપીએલના ગર્વનીંગ બોડી મેમ્બર જયદેવ શાહે જણાવ્યું હતું કે આ એસપીએલનું પ્રથમ વર્ષ છે. પરંતુ હવેથી દર વર્ષની વાર્ષિક ઇવેન્ટ બની જશે. આ ટૂર્નામેન્ટ દર વર્ષે યોજાશે. આ વર્ષે સૌરાષ્ટ્રની પાંચ ટીમ પસંદ કરી છે. જેમાં સૌરાષ્ટ્રના ઐતિહાસિક ઇતિહાસ સાથે નામ જોડવામાં આવ્યા છે. જેમાં સોરઠ લાયન્સ, ગોહિલવાડ ગ્લેડીયેટર્સ, હાલાર હીરોઝ, ઝાલાવડ રોયલ્સ અને કચ્છ વોરિયર્સ છે.
Halar Heroesસૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ ૧૪મી મેથી શ‚ થશે અને એસપીએલની પ્રથમ મેચની શરૂઆત કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ હાજર રહે તેવી શકયતા છે આ ઉપરાંત તમામ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોને નિરંજન શાહ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગર્વનિંગ બોડી દ્વારા વેલકમ કરાશે. લોન્ચીંગ સેરેમની ટ્રોફી પણ આજે લોન્ચ કરવામાં આવશે. શહેરના મહાનુભાવો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો હાજરી આપશે અને ૧૪મીથી શરૂ થનારા તમામ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ અને હોટસ્ટાર પર ક્રિકેટ રસિયાઓ નિહાળી શકશે તેમ અંતમાં જયદેવ શાહે ઉમેર્યું હતું.
સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગનું ટાઇમ ટેબલ
સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગનો પ્રથમ મેચ ૧૪મી મેના રોજ ૮ વાગ્યે હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચ રમાશે. ૧૫મી મેના રોજ સોરઠ લાયન્સ અને ઝાલાવડ રોયલ્સ વચ્ચે રમાશે. ૧૬મી મેના રોજ હાલાર હિરોઝ અને ગોહિલવાડ ગ્લેડીયેટર્સ વચ્ચે રમાશે. ૧૭મી મેના રોજ ગોહિલવાડ ગ્લેડીયેટર્સ અને ઝાલાવડ રોયલ્સ વચ્ચે રમાશે. ૧૮મી મે અને શનિવારે ૪ વાગ્યાથી હાલાર હિરોઝ અને ઝાલાવાડ રોયલ્સ ત્યારબાદ બીજો મેચ સોરઠ લાયન્સ અને કચ્છ વોરિયર્સ વચ્ચે રમાશે. ૧૯મી મે રવિવારના રોજ ૪ વાગ્યે ગોહિલવાડ ગ્લેડીયેટર્સ અને કચ્છ વોરિયર્સ વચ્ચે ત્યારબાદ બીજો મેચ સોરઠ લાયન્સ અને હાલાર હિરોઝ વચ્ચે રમાશે. ૨૦મી મેના રોજ ૮ વાગ્યે ગોહિલવાડ ગ્લેડીયેટર્સ અને સોરઠ લાયન્સ વચ્ચે મેચ રમાશે અને છેલ્લો મેચ ૨૧મી મેના રોજ ૮ વાગ્યે ઝાલાવાડ રોયલ્સ અને કચ્છ વોરિયર્સ વચ્ચે રમાશે જ્યારે અંતિમ ફાઇનલ મેચ ૨૨મી મેના રોજ રાત્રીના આઠ વાગ્યે જામશે.
પાંચેય ટીમના ખેલાડીઓની પસંદગીઓનો ડ્રાફટ કાલે કરાશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી મધુકર વોરાએ જણાવ્યું હતું કે અંડર-૧૪થી લઇને ૨૨ સુધીની અનેક ડિસ્ટ્રીકટ મેચના આયોજન કર્યા છે અને આજે સૌરાષ્ટ્રની ટીમમાં દરેક શહેર અને નાના ગામડાઓમાંથી પણ ક્રિકેટરો આવે છે ત્યારે સૌરાષ્ટ્રના ક્રિકેટરોને મેચનો વધારે અનુભવ મળશે. એસપીએલ એક વધુ સુવર્ણ પેઇજ ઉમેરશે તેવો મને વિશ્ર્વાસ છે. પાંચેય ટીમની પસંદગી થઇ છે તેમના ખેલાડીઓનો ડ્રાફટ આવતીકાલે કરવામાં આવશે અને તમામ ટીમોની પ્રેક્ટીસ પણ સ્ટેડિયમમાં શ‚ કરવામાં આવશે.
ક્રિકેટ પ્રેમીઓ તમામ મેચો ફ્રી જોઇ શકશે
૧૪મીથી શરૂ થનારી સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની આ પ્રથમ આવૃતિમાં કોઇ ટીકિટ રાખવામાં આવી નથી. સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમમાં આવીને તમામ મેચો ફ્રીમાં જોઇ શકશે. ક્રિકેટ રસિયાઓને આઇપીએલની જેમ જ તમામ પ્રકારનું મનોરંજન સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગમાંથી મળી રહેશે.