આજે રંગોનો પર્વ એટલે કે ધૂળેટીનો તહેવાર છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરામાં ઠેર ઠેર નાનાથી માંડી મોટેરાઓ ધૂળેટીના રંગે રંગાઇ રહ્યા છે. રાજકોટમાં ધૂળેટીની ઉજવણીની સાથે સાથે યુવા વર્ગ ગરબે પમ ઘૂમ્યો હતો. તો બપોર બાદ દ્વારકામાં શ્રીજીને ચાંદીની પિચકારીએ કેસુડાના રંગે રમાડવામાં આવશે. જેમાં હજારો ભાવિકો ઉમટી પડશે.
દ્વારકા જગતમંદિરમાં પરંપરાગત ઉજવાતા ફુલડોલ ઉત્સવની ઉજવણી માટે લાખો યાત્રિકો દ્વારકા આવી પહોંચ્યા છે. ગુજરાતભરમાંથી ઠેર ઠેરથી લાખો પદયાત્રીઓ દ્વારકામાં કાળીયા ઠાકોરજી સંગ ફુલડોલ ઉત્સવ મનાવવા પહોંચી ગયા છે. રાજ્યભરમાંથી રોડ-રેલમાર્ગે પણ હજારો ભાવિકો દ્વારકા પધાર્યા છે. દ્વારકા જગતમંદિરમાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ફુલડોલ ઉત્સવને લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજે બપોરબાદ કાળીયા ઠાકોરના સાંનિધ્યમાં ભાવિકભક્તો અબીલ ગુલાલના છાંટણા સાથે ઉત્સવ મનાવશે.
આ ઉત્સવ આરતી દરમિયાન ફરીથી શ્રીજીના હસ્તમાં રંગોની પોટલી ધરાવવામાં આવે છે. ચાંદીની પીચકારીમાં કેસુડાના રંગ અને કેસરનું પાણી ભરી શ્રીજીને હોળી રમાડવામાં આવે છે. આજ હસ્ત પોટલામાંના અને પીચકારીના રંગોથી દર્શનાર્થી સૌ ભક્તોને રંગ ઉડાડવામાં આવે છે. હજારો કિલો અબીલ ગુલાલની છોળો વચ્ચે ફુલડોલ ઉત્સવ યોજાશે.