સૌના સાથ – સૌના વિકાસના સેવાયજ્ઞ અન્વયે આજે લીંબડી ખાતે યોજાયેલા શહેરી જન સુખાકારી દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં આજે શહેરીજનોની સુખાકારી માટેનો યજ્ઞ આરંભાયો છે. રાજયમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને સર્વાંગિ શહેરી વિકાસના કાર્યો માટે 1000 કરોડથી વધુની ધનરાશિના ચેક અર્પણ કરાયા છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, રાજયના સર્વાંગી વિકાસને વેગ આપવા સરકારે નર્મદાના નીર કચ્છ સુધી પહોંચાડી લોકોની પીવાના પાણીની અને ખેડૂતોની સિંચાઈની જરૂરીયાતને પૂર્ણ કરી ઘર આંગણે નર્મદાના નીર ઉપલબ્ધ બનાવ્યા છે, સાથો સાથ સૌની યોજનાના સઘન અમલીકરણના પરિણામે એક સમયે નપાણિયો ગણાતો સૌરાષ્ટ્ર પ્રદેશ આજે સમૃધ્ધ બન્યો છે. અહીંના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના નીર મળતા તેઓ હવે દરવર્ષે કરોડો રૂપિયાનું ખેત ઉત્પાદન મેળવી રહયાં છે.
રાજયમાં હાથ ધરાયેલા માર્ગ વિકાસના કાર્યોનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતુ કે, ધોલેરા સરના વિકાસની સાથે રાજકોટ – અમદાવાદના ટ્રાફિકને ધ્યાને લઈ સૌરાષ્ટ્રના હદય સમા રાજકોટને અમદાવાદ સાથે જોડતા હાઈવેને અંદાજીત રૂપિયા 2200 કરોડથી વધુના ખર્ચે સીકસલેન બનાવવાનું કાર્ય હાથ ધરાયું છે. આ સીકસલેન હાઈવે ઉપર ટ્રાફિકની સરળતા માટે જરૂરીયાત મુજબ ઓવરબ્રીજ પણ બનાવાશે.
નાયબ મુખ્યમંત્રીએ જન સુખાકારી માટેની તમામ પ્રાથમિક સુવિધાઓથી નગરો – શહેરો સજ્જ બને તે માટે રાજય સરકાર દ્વારા નગરપાલિકાઓ – મહા નગરપાલિકાઓની વિકાસ કાર્યો માટેની જરૂરી તમામ જરૂરીયાતો પૂર્ણ કરવામાં આવી રહી છે, તેમ જણાવી અધિકારી – પદાધિકારીઓને પરસ્પરના સંકલન થકી પારદર્શકતા સાથે વધુ સારા કાર્યો થાય તે માટે કટીબધ્ધ બની કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે આ તકે ઉપસ્થિત નગરજનોને તેમનું નગર સ્વચ્છ – સુંદર અને રળિયામણુ બને તે માટેના કાર્યમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાર્થક બનાવવા આહવાન કર્યું હતુ.આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં લીંબડી વિસ્તારમાં થયેલ વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાની તમામ નગરપાલિકાઓને વિકાસકાર્યો અર્થે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ અંદાજિત 7.25 કરોડ ધનરાશિના ચેક વિતરણ કરાયા હતા. તેમજ ઈ-તકતી અનાવરણ થકી જિલ્લાની 6 નગરપાલિકાઓના અંદાજિત રૂપિયા 25.93 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ પણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત જિલ્લા કલેક્ટર એ. કે. ઔરંગાબાદકરે કર્યું હતું, તેમજ આભારવિધિ લીંબડી નગરપાલિકાના પ્રમુખ બેલાબેન વ્યાસ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યો સર્વ ધનજીભાઈ પટેલ, પરસોત્તમભાઈ સાબરિયા, જિલ્લા વિકાસ અધિકારી ડો. એન. એક. ગવ્હાણે, રીજીયોનલ મ્યુનીસીપલ કમિશ્નર અનિલ રાણાવસીયા, પૂર્વ ધારાસભ્ય સર્વ પૂનમભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડ, અગ્રણી સર્વ નીમુબેન બાઘડીયા, જગદીશભાઇ મકવાણા, ચંદ્રશેખર દવે, પ્રકાશ સોની સહિત જિલ્લાની વિવિધ નગરપાલિકાના પ્રમુખ – ઉપ પ્રમુખઓ તથા સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખઓ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી-પદાધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.