બીજા દાવમાં સૌરાષ્ટ્રની 1ર0 રનમાં 6 વિકેટો ધરાશાયી: કુલ 179 રનની લીડ
મુંબઇમાં શરદ પવાર ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી સૌરાષ્ટ્ર અને મુંબઇ વચ્ચે રમાઇ રહેલી રણજી ટ્રોફીની મેચ બીજા દિવસે રોમાંચક તબકકામાં પહોચી જવા પામી છે. બન્ને ટીમો પાસે જીતની હાલ સમાન તક રહેલી છે.
સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દાવમાં સુકાની અર્પીત વસાવડાની અર્ધી સદીની મદદથી 289 રન બનાવ્યા હતા. જેની સાથે પ્રથમ દિવસની રમતના અંતે મુંબઇની ટીમે 36 રનના સ્કોરે બે વિકેટો ગુમાવી દીધી હતી. ગઇકાલે બીજા દિવસે મુંબઇની આખી ટીમ 63.3 ઓવરમાં 230 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. સૌરાષ્ટ્રને 59 રનની મહત્વ પૂર્ણ લીડ મળી હતી. સૌરાષ્ટ્ર વતી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 70 રનમાં ચાર વિકેટો અને ડેવ્યુટાન્ટ યુવરાજસિંહ ડોડીયાએ માત્ર 43 રન આપી ચાર વિકેટો ખેડવી હતી.
બીજા દાવમાં સૌરાષ્ટ્રની શરુઆત અત્યંત ખરાબ રહેવા પામી હતી. સ્કોર બોર્ડ પર માત્ર 77 રન નોંધાયા હતા ત્યારે મહત્વપૂર્ણ છ વિકેટો ધરાશાયી જઇ થઇ જવા પામી હતી. જો કે ત્યારબાદ પ્રેરક માંકડ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રકાસ અટકાવ્યો હતો. દિવસના અંતે બન્ને અણનમ રહ્યા હતા. પ્રથમ દાવની 59 રનની લડ સાથે હાલ સૌરાષ્ટ્ર પાસે 179 રનની બઢત છે. હજી મેચના બે દિવસ બાકી છે. વિકેટનો મિજાજ જોતા બન્ને ટીમો પાસે જીતની સમાન તક રહેલી છે.
સૌરાષ્ટ્રની ટીમ અત્યાર સુધીમાં બે મેચ રમી છે. આસામ અને મહારાષ્ટ્ર સામેની બન્ને મેચ ડ્રોમાં પરિણમી છે. પ્રથમ દાવની લીડના આધારે બન્ને મેચમાં સૌરાષ્ટ્રને ત્રણ-ત્રણ પોઇન્ટ મળ્યા છે. પોઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબુત કરવા મુંબઇ સામેની મેચ જીતવી જરુરી છે.