રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢ સહિતના સેન્ટરમાં બંધના એલાનની નહિવત અસર
કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં આજે અપાયેલા હડતાલનાં એલાનને સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ટ્રેડ યુનિયનો બેંકો અને સરકારી કર્મચારીઓ દ્વારા અપાયેલા એલાન બાદ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે કામગીરી ચાલુ છે. કર્મચારીઓ કામગીરીમાં જોડાયેલા જોવા મળ્યા છે. જયારે કયાંક હડતાલ પાળવામાં આવી છે.
હડતાલના પગલે દેશભરમાં બેંકીંગ, ટ્રાન્સપોર્ટ સહિતની સેવાઓમાં ફટકો પડે તેવી દહેશત હતી. કેટલીક બેંકોએ હડતાલની જાણકારી સ્ટોક એકસચેન્જને અગાઉથી જ આપી દીધી હતી. જોકે હાલ મીશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. કેટલાક સ્થળોએ બેંકોમાં નાણા જમા કરવા, ઉપાડવા, ચેક કલીયરીંગ સહિતના કામ માટે કામગીરી બંધ રહે તેવી ધારણા છે.
આ હડતાલ દેશવ્યાપી છે. જેના પગલે બેંકીંગની સાથે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાય તેવી પણ શકયતા હતી. હડતાલ ૨૫ કરોડથી જેટલા લોકો ભાગ લેશે તેવું જણાવાયું હતુ. દેશભરમાંથી ૧૦૦ જેટલી શૈક્ષણીક સંસ્થાઓનાં છાત્રો, કર્મચારીઓ, ખેડુત સંગઠનો, રાષ્ટ્રીયસ્તરની બેંકો સહિતના હડતાલમાં જોડાવાના હતા. અહીં નોંધનીય છે કે, સરકારની નીતિ સામે અવાર નવાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દેશના એરપોર્ટ ખાનગી પેઢીને આપવા જેવા પગલા લેવા તેમજ એર ઈન્ડિયા, બીએસએનએલ અને એમટીએનએલ જેવી કંપનીઓને ખતમ કરવા પાછળની નીતિ સામે વિરોધ વંટોળ ઉઠ્યા છે. રાષ્ટ્રીયસ્તરના ૧૫ મોટા ટ્રેડ યુનિયન, ૧૭૫ ખેડુત સંગઠને હડતાલમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી સહિતના મોટા સેન્ટરોમાં હડતાલને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.