અબતક-રાજકોટ

સૌરાષ્ટ્રમાં કોરોના જાણે કોલ્ડવેવની જેમ વધી રહ્યો હોય તેમ પોઝિટિવ કેસનો આંક હવે ૧૦૦૦ને પાર પહોંચ્યા છે. જેમાં ગઈ કાલે મકરસંક્રાંતિ પર કોરોનાનો પણ પતંગ ચગ્યો છે. એક દિવસમાં કોરોનામાં ૧૦૮૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટનગર સમા રાજકોટ શહેરમાં જ વધુ ૨૯૬ કેસ પોઝિટિવ નોંધાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં ૭૭ લોકો કોરોના સંક્રમિત થયા છે.

રાજકોટમાં ૩૭૩, ભાવનગરમાં ૨૫૫, જામનગરમાં ૯૩ અને જૂનાગઢમાં ૫૨ કોરોના સંક્રમિત

સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિના દિવસે જ કોરોનાનો પણ પતંગ ચગ્યો છે. એક દિવસમાં ૧૦૦૦થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે પરંતુ કોઈ પણ દર્દીનું મોત ન થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવતા શહેરમાં ૨૯૬ અને ગ્રામ્યમાં ૭૭ કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ શહેરમાં હાલ ૧૯૮૭ એક્ટિવ કેસ છે જ્યારે ગઈ કાલે ૨૨૪ દર્દીઓ સાજા થયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૫૦૪ પર પહોંચી છે. તો ૧૩ દર્દીએ વાયરસને મ્હાત આપી છે.

તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પણ કોરોના ફુફાળો મારી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં શહેરમાં ૨૨૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તો જામનગરમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે જામનગર સિટીમાં ૭૯ અને ગ્રામ્યમાં ૧૪ કેસ પોઝિટિવ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ૪૯ અને ગ્રામ્યમાં ૩ નવા દર્દીઓ નોંધાયા છે.

કચ્છમાં પણ કોરોના કહેર: ૧૦૧ કોરોના પોઝિટિવ કેસ

બીજી તરફ કચ્છ પંથકમાં પણ કોરોના સંક્રમણ વધ્યું છે. ગઈ કાલે એક દિવસમાં વધુ ૧૦૧ કેસ પોઝિટિવ આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના ૫૬ કેસ, અમરેલી જિલ્લામાં ૪૪, મોરબીમાં ૩૮, સુરેન્દ્રનગરમાં ૨૭, દેવભૂમિ દ્વારકામાં ૨૪ અને પોરબંદરમાં ૨૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જ્યારે એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે પરંતુ મૃત્યુદર નહિવત રહ્યો છે.
જામનગર: કલેકટર અને જિલ્લા પંચાયત પ્રમુખ થયા કોરોના સંક્રમિત
જામનગરમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફ્રન્ટલાઈન વર્કર્સઓને પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ થયું છે. ટીકરે ગઈ કાલે જામનગર પંથકમાં કુલ ૯૩ કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી પણ કોરોના સંક્રમિત થયા છે. ગઈ કાલે તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ નિષ્ણાતોની સલાહ હેઠળ તેઓ સારવાર લઈ રહ્યા છે.
તો બીજી તરફ જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી પંચાયત પ્રમુખે તમામ લોકો સંપર્ક આવેલા હોય તેવાને કોરોનો રિપોર્ટ કરવા આહવાન કર્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ તબીયતની હાલ તબિયત સારી છે. તેઓ તેમના નિવાસ સ્થાને હોમ કોરટાઈન થયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.