મેચ ડ્રો ભણી પરંતુ પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્ર બનશે પ્રથમવાર રણજી ચેમ્પિયન
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં ખંઢેરી સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રણજી ટ્રોફી ફાઈનલ રમાઈ રહ્યો છે ત્યારે મેચના અંતિમ દિવસે સૌરાષ્ટ્રની ટીમે ઈતિહાસ રચ્યો છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રની ટીમે બંગાળને ૩૮૧ રનમાં ઓલઆઉટ કરી દીધું છે અને ૪૪ રનની લીડ પણ મેળવી છે. સૌરાષ્ટ્ર તરફથી પ્રેરક માંકડ ૨ વિકેટ, ધર્મેન્દ્ર જાડેજા ૩ વિકેટ, ચિરાગ જાની અને ચેતન સાકરીયાએ એક-એક વિકેટની સાથે સુકાની જયદેવ ઉનડકટે ૨ વિકેટ ઝડપી સૌરાષ્ટ્ર ટીમ માટે વિજય નિશ્ર્ચિત કર્યો છે. મેચ ડ્રો થતા પરંતુ પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્ર પ્રથમ વખત રણજી ચેમ્પીયન બનવા નિશ્ર્ચિત થયું છે. સૌરાષ્ટ્રની ટીમ અનેકવિધ ફાઈનલમાં પ્રવેશ કરી શકવામાં સફળતા પ્રાપ્ત કરી હતી પરંતુ તેની સામે જે રીતે ફાઈનલમાં વિજય મેળવવો પડે તે મેળવવામાં ટીમ અસફળ નિવડતી હતી ત્યારે બંગાળ સામેનાં ફાઈનલ મેચ ડ્રો તરફ આગળ વધી રહી છે પરંતુ રણજી ચેમ્પીયન બનતા જ ઈતિહાસ રચશે.
મેચના ત્રીજા દિવસથી પીચ તુટતી નજર પડી હતી ત્યારે બંગાળનાં બેટસમેનોને બેટીંગ કરવી મુશ્કેલ પડી રહી હોવાનું સામે આવ્યું હતું. અન ઈવન બાઉન્સના કારણે સૌરાષ્ટ્રનાં બોલરો બંગાળ પર હાવી પડયા હતા. બંગાળ તરફથી માત્ર સુદિપ ચેટર્જી, રિદ્ધિમાન શહા અને અનુસુતુક મજુદાર જ અડધી સદી ફટકારવામાં સફળ નિવડયા હતા. હાલ જે રીતે સૌરાષ્ટ્રની ટીમને ૪૪ રનની લીડ મળી છે તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, આજનો બાકી રહેતો દિવસ ખુબ જ સરળતાથી સૌરાષ્ટ્રની ટીમ મેચ પૂર્ણ કરશે અને રણજી ટ્રોફીને જીતશે. રણજી ટ્રોફી જીતતાની સાથે જ સૌરાષ્ટ્ર ઈતિહાસ રચશે તેમાં સહેજ પણ મીનમેક નથી. સૌરાષ્ટ્રની ટીમ માટે બોલીંગ તેનું સૌથી મજબુત પાસુ છે પરંતુ ફાઈનલમાં સૌરાષ્ટ્રનાં બેટસમેનો અને બંગાળનાં બોલરો વચ્ચે સીધો જ મુકાબલો હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ બંગાળના બોલરોને ખુબ જ સરળતાથી સૌરાષ્ટ્રનાં બેટસમેનોએ તેની નેચરલ રમત રમી હતી જેમાં અર્પિત વસાવડાએ ફરી સદી ફટકારી હતી. સૌરાષ્ટ્ર ટીમ તરફથી મુખ્યત્વે ચેતેશ્ર્વર પુજારા, વિશ્ર્વરાજ જાડેજા અને અવિ બારોટે અડધી સદી ફટકારીને ટીમને ૪૦૦ રન પાર પહોંચાડવામાં મદદરૂપ નિવડયું હતું.
બંગાળના બોલીંગ ડિપાર્ટમેન્ટની વાત કરવામાં આવે તો અક્ષદિપનાથ ૪, શાહબાઝ અહેમદ ૩, મુકેશ કુમાર ૨ અને ઈશાન પોરેલે ૧ વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમને મજબુતી આપી હતી. ચોથા દિવસે કયાંકને કયાંક સૌરાષ્ટ્ર દ્વારા જે બોલીંગ કરવામાં આવી હતી તેને અનુરૂપ ફિલ્ડીંગ ન ગોઠવાતા બે થી ત્રણ કેચ મીસ થયા હોવાનું સામે આવ્યું હતું જેના કારણે ટીમ માટે રણજી ટ્રોફી જીતવી મુશ્કેલ બની હતી પરંતુ અંતિમ દિવસે સુકાની જયદેવ ઉનડકટ દ્વારા જે વિકેટો ઝડપવામાં આવી તેનાથી ટીમનું રણજી ટ્રોફી ચેમ્પીયન બનવું નિશ્ર્ચિત બની ગયું છે.