મતદાર યાદી સુધારણા સંદર્ભે ઇલેક્શન કમિશન તથા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસ તથા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર- કચ્છના મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને મતદાર યાદી સુધારણા સંદર્ભે બે દિવસીય તાલીમ અંગે વર્કશોપનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તા. 29 અને 30 જુલાઈ એમ બે દિવસ ચાલનારા આ વર્કશોપમાં દિલ્હીથી આવેલા ઈ.સી.આઈ. ના આઇ.ટી.સી ઓફિસર સક્ષમકુમાર દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી, કમી કરવા, રહેણાંક કે મત વિસ્તાર ફેરફાર સંદર્ભે નવા ફોર્મની સમજ, વૈધાનિક સુધારાઓ, આઈ.ટી.એપ્લિકેશન સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા વૈધાનિક સુધારા અનુસાર તા. 01-10-2022 ના રોજ 18 વર્ષ પુરા કરતા યુવાઓને મતદાર યાદીમાં નામ નોંધણી કરવામાં આવશે. એન.એમ.એલ.ટીના સરવૈયા, સી.ઓ. ઓફિસર મનીષભાઈ પંડ્યા, નાયબ ચૂંટણી અધિકારી કે.જી. ચૌધરીની ઉપસ્થિતિમાં આયોજિત તાલીમ વર્કશોપમાં સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીરસોમનાથ તેમજ કચ્છ અને ભાવનગર જિલ્લાના 96 જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.