૪૪ ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજયનું સૌથી ગરમ શહેર: સુરેન્દ્રનગર ૪૩.૬, રાજકોટમાં ૪૨.૮ ડિગ્રી, જુનાગઢ ૪૨.૫ ડિગ્રી, ભાવનગર ૪૦.૬ ડિગ્રી અને ભુજ ૪૦.૫ ડિગ્રી સાથે ધગ્યા: આજે પણ ઓરેન્જ એલર્ટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં સુર્યપ્રકોપ જારી રહેવા પામ્યો છે. આકાશમાંથી રીતસર અગનવર્ષા થઈ રહી છે. આજે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય રાજયનાં અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને ઓળંગે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. આગામી ૪૮ કલાક સુધી હિટવેવ ચાલુ રહે તેવી સંભાવના પણ વ્યકત કરાઈ છે. ગુરુવારથી ગરમીનું જોર થોડુ ઘટશે. સોમવારે ૪૪ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે અમરેલી રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું.
રાજયમાં છેલ્લા એક માસથી કાળઝાળ ગરમી પડી રહી છે. છેલ્લા ૪ દિવસથી સિવિયર હીટવેવનાં કારણે આકાશમાંથી રીતસર અગનવર્ષા થઈ રહી હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે. બપોરના સુમારે અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સોમવારે પણ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં સુર્યપ્રકોપ યથાવત રહેવા પામ્યો હતો.
અમરેલી ૪૪ ડિગ્રી તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યું હતું તો રાજકોટમાં પણ ૪૨.૮ ડિગ્રી સેલ્શીયસ તાપમાન નોંધાયું હતું. ૨ દિવસમાં રાજકોટમાં મહતમ તાપમાનમાં ૨ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતા શહેરીજનોને સામાન્ય રાહત મળી હતી. જોકે સવારે ૧૦ વાગ્યાથી લઈ સાંજના ૭ વાગ્યા સુધી રાજમાર્ગો પર લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મોડીરાત્રે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી જતી હોવાનાં કારણે શહેરીજનો રાહત અનુભવે છે.
સોમવારે અમરેલીનું તાપમાન ૪૪ ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન ૪૩.૩ ડિગ્રી, જુનાગઢનું તાપમાન ૪૨.૫ ડિગ્રી, ભુજનું તાપમાન ૪૦.૫ ડિગ્રી, ભાવનગરનું તાપમાન ૪૦.૬ ડિગ્રી, જામનગરનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. આજે પણ હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાનાં કારણે રાજકોટ સહિતનાં શહેરોમાં મહતમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના જણાઈ રહી છે.
સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી મે માસ દરમિયાન પહોંચતો હોય છે પરંતુ આ વર્ષે એપ્રીલ માસમાં જ રાજયમાં તાપમાનનો પારો જે રીતે ૪૫ ડિગ્રી સુધી પહોંચી ગયો છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે, આ વર્ષે ગરમી પાછલા અનેક વર્ષોનાં રેકોર્ડબ્રેક કરશે.
જે રીતે ચૈત્રી દનૈયાઓ તપ્યા છે તે રીતે આ વખતે ચોમાસાની સીઝનમાં સારો વરસાદ પડે તેવું જુની પેઢીનાં લોકો માની રહ્યા છે. બપોરનાં સુમારે કાળઝાળ ગરમી અને આકાશમાંથી અગનવર્ષાનાં કારણે રાજમાર્ગો પર જાણે કર્ફયુ લાદી દેવામાં આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.