ઠંડાગાર પવનના સુસવાટા: આગામી બે થી ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનું જોર વધશે
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહેવા પામ્યું છે. ઠંડાગાર પવનના સુસવાટાના કારણે જનજીવન ધ્રુજી રહ્યું છે. આગામી બે થી ત્રણ દિવસ ઠંડીમાં સામાન્ય રાહત જોવા મળશે ત્યારબાદ નવો રાઉન્ડ આવે તેવી સંભાવના પણ જણાય રહી છે. કચ્છના નલીયાનું તાપમાન 5.3 ડિગ્રી નોંધાયુ હતું. અન્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન ડબલ ડિજિટમાં નોંધાયુ હતું.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટ શહેરનું લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયુ હતું. ગઇકાલની સરખામણીએ આજે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો હતો. ગઇકાલે શહેરનું તાપમાન 12.6 ડિગ્રી રહેવા પામ્યુ હતું. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78 ટકા નોંધાયુ હતું. 12 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. સવારે 8:30 કલાકે તાપમાન 15 ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યુ હતું. જૂનાગઢનું તાપમાન 16.3 ડિગ્રી નોંધાયુ હતું.
જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા અને પવનની સરેરાશ ઝડપ 8.3 કિ.મી. રહેવા પામી હતી. કચ્છનું નલીયા આજે 5.3 ડિગ્રી સાથે કાતીલ ઠંડીમાં ઠુંઠવાયું હતું. આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 13.4 ડિગ્રી વડોદરાનું તાપમાન 14.8 ડિગ્રી ભાવનગરનું તાપમાન 17.4 ડિગ્રી, ભૂજનું તાપમાન 12 ડિગ્રી, ડિસાનું તાપમાન 12.6 ડિગ્રી, દિવનું તાપમાન 14.2 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 16.4 ડિગ્રી, ઓખાનું તાપમાન 18.8 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 17.3 ડિગ્રી રહ્યું હતું.આગામી બે દિવસ ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેશે ત્યારબાદ નવો રાઉન્ડ આવે તેવી શક્યતા જણાય રહી છે.