- એક દિવસીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટનુ કરાયું આયોજન, ઝિમ્બાબાવેનું પ્રતિનિધિ મંડળ રાજકોટ આવ્યું
- રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગોની મુલાકાત લેશે ઝિમ્બાબ્વેના ડેલીગેટસ
- બંને દેશો વચ્ચે વ્યાપાર કરારો થતા દેશની અર્થવ્યવસ્થાની સાથે નિકાસ પણ વધશે, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છને થશે આર્થિક ફાયદો
ભારત દેશ ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જ ઝડપી વિકાસ કરી રહ્યું છે. એટલુંજ નહીં વિશ્વના એક દેશો ભારત સાથે વ્યાપાર વૃદ્ધિ ને વધારવા આગળ આવી રહ્યા છે અને ભાગીદારી પણ કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે નિકાસ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમનું પણ આયોજન થતું જોવા મળે છે.
દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર આગળ વધારવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દર વર્ષે આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટનું આયોજન કરતું હોય છે જેમાં અનેકવિધ દેશોના પ્રતિનિધિ મંડળો રાજકોટની મુલાકાતે તા હોય છે અને અહીંના ઉદ્યોગો સાથે પણ ચર્ચા વિચારણા કરી તેમની સાથે વ્યાપારિક ભાગીદારી કરતા હોય છે.
આ વાતને ધ્યાને લઈ અને સૌરાષ્ટ્ર ઘટના ઉદ્યોગોને વધુ વિકસિત બનાવવા માટે રાજકોટ ખાતે ઝિમ્બાબ્વે નું પ્રતિનિધિ મંડળ આવ્યું હતું અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું . આ બિઝનેસ સમિટમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા અને ઝીમ્બાબ્વેમાં કઈ ચીજ વસ્તુઓ ની જરૂરિયાત છે તે અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. ઝિમ્બાબ્વેમાં એન્જિનિયરિંગની સાથોસાથ અને ઉદ્યોગો માટે ઉત્તમ તક જોવામાં આવી રહી છે.
તો તેને કઈ રીતે અનુસરી શકાય તે જાણવું ખૂબ જ જરૂરી છે. બિઝનેસ સમિટનું આયોજન સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ સમિટ માં ઝિમ્બાબ્વેના એમ્બેસી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ માં રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છ માટેની તકો પણ વર્ણવી હતી.
વ્યાપાર ક્ષેત્રે ઝિમ્બાબ્વે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગો સાથે જોડાવવા માંગે છે: પીટર હોબવાની
ઝિમ્બાબ્વેના ડેપ્યુટી એમ્બેસી પીટર હોબવાનીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઝિમ્બાબ્વેમાં વ્યાપાર વૃદ્ધિ કરવા તેઓ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઘણો સ્કોપ જોઈ રહ્યા છે, જેના પગલે ઝિમ્બાબ્વેનું પ્રતિનિધિ મંડળ રાજકોટની મુલાકાતે આવ્યું છે, અને આગામી દિવસોમાં તેઓ વિવિધ કંપનીઓની મુલાકાત લેશે અને તેની કાર્યપદ્ધતિને નિહાળશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, તેઓ રાજકોટના ઉદ્યોગકારો સાથે ભાગીદારી કરવા માંગે છે. ભારત વિકાશીલ અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. ઝિમ્બાબાવેમાં ઘણા સારા રોકાણ કરવા માટેના પ્લાન સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જે રાજકોટ થતા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને આકર્ષિત કરશે. ઝિમ્બાબ્વેમાં ઉત્પાદનની સાથે ખેતી ક્ષેત્રે ખુબજ કામ કરવાનું અને ક્રાંતિ સર્જવાનું બાકી છે, જે રાજકોટના ઉદ્યોગકારો પૂર્ણ કરી શકે છે. સારી ટેકનોલોજી હોવાના પગલે ઝિમ્બાબાવેને ઘણો સારો ફાયદો પણ પોહચશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, રાજકોટમાં ફાઇબર પ્રોડક્ટની ગુણવત્તા ખુબજ સારી છે. જેથી વ્યાપાર અર્થે ઝિમ્બાબાવે સરકાર આગળ વિચારશે.
સૌરાષ્ટ્ર-કચ્છની તાકાતને વિશ્ર્વવ્યાપી બનાવવાનો સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડલનો લક્ષ્ય: પરાગભાઈ તેજુરા
એસવીયુએમના પરાગભાઈ તેજુરાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સંસ્થાનો એકજ લક્ષય છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં જે વ્યાપાર ઉદ્યોગની તાકાત રહેલી છે તેને વિશ્વ વ્યાપી બનાવવામાં આવે. જે માટે સંસ્થા દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ સમિટ નો આયોજન કરતું હોય છે જેમાં દેશ-વિદેશના વ્યાપારીઓ અહીં આવી પોતાના દેશમાં જરૂરિયાત મુજબ રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગો સાથે કરારો કરતા હોય છે. તરફ ભારતનો નિકાસ દર વધુ કરવા માટે પણ સંસ્થા હરહંમેશ કાર્ય કરતું હોય છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ઝિમ્બાબ્વે સરકાર એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે જે રીતે સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગોનો વ્યાપાર વિકસિત થયો છે તે મોડલ ઝિમ્બાબ્વેમાં અપનાવવામાં આવે પરિણામે કઈ રીતે કામગીરી થઈ રહી છે તે દિશામાં પ્રતિનિધિ મંડળ રાજકોટના આંગણે આવ્યું છે. વેપાર વૃદ્ધિ માટે ભારત એકમાત્ર એવો દેશ છે કે જે સંપૂર્ણ રીતે તેને ઉપયોગી બની શકશે.
રાજકોટની ઘણી એવી પ્રોડક્ટ છે જે ઝિમ્બાબ્વેમાં નિકાસ કરવામાં સક્ષમ: પરેશભાઈ વસાણી
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પરેશભાઈ વસાણીએ માહિતી આપતા કહ્યું હતું કે જે ઇન્ટરનેશનલ બિઝનેસ સમિટ નું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં ઝીમ્બાબ્વેના ડેલિગેટ્સ રાજકોટની મુલાકાતે આવ્યા છે, તે રાજકોટ અને સૌરાષ્ટ્રના વ્યાપાર માટે એક ઉમદા તક ઊભી થઈ છે . જેનું મુખ્ય કારણ એ છે કે રાજકોટની ઘણી ચીજ વસ્તુઓ ઝિમ્બાબ્વેમાં નિકાસ કરવા માટે સક્ષમ છે. રાજકોટથી મશીન ટૂલ્સ, ઓટોપાર્ટ્સ, સબમર્સીબલ પંપ, હાર્ડવેર, કિચન વેર ઘણી એવી ચીજ વસ્તુઓ છે કે જ્યાં ઝિમ્બાબ્વેને રાજકોટ અને સૌરાષ્ટ્ર સંપૂર્ણ રીતે મદદ કરી શકે છે. ભારત જે રીતે અર્થ વ્યવસ્થામાં હરણફાળ ભરી રહ્યું છે તેમાં રાજકોટ સૌથી વધુ ઉપયોગી સાબિત થશે અને સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગો પણ આ ભગીરથ કાર્યમાં સહભાગી બની શકે છે. તેઓ ઉમેર્યું હતું કે જો ભારત ઉત્પાદકતા વધારશે અને નિકાસ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તો ભારત પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી સુધી સરળતાથી પહોંચી જશે.
આફ્રિકામાં ભારતનું એક્સપોર્ટ સૌથી વધુ: યશ રાઠોડ
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના યશભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે, આફ્રિકામાં ભારતનું એક્સપોર્ટ સૌથી વધુ છે કારણ કે આફ્રિકન દેશો મહદ અંશે ભારતની વિવિધ ચીજ વસ્તુઓને અપનાવવા માટે હરહંમેશ તૈયાર અને તત્પર રહેતા હોય છે. સૌરાષ્ટ્ર અને રાજકોટ માટે ઝિમ્બાબ્વેમાં નિકાસ કરવાની ઘણી સારી તકો રહેલી છે જેનો ફાયદો અહીંના ઉદ્યોગકારોએ સુચારુ રૂપથી લેવો જોઈએ. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, રાજકોટ એન્જિનિયરિંગ નું હબ છે જેથી કોઈપણ દેશને એન્જિનિયરિંગ ચીજ વસ્તુઓની જરૂરિયાત હર હંમેશ વર્તાતી હોય છે પરિણામે રાજકોટ માટે તે એક સારા ચિન્હો છે.
ઝિમ્બાબ્વેમાં વ્યાપાર કરવા માટે સૌરાષ્ટ્ર-કચ્છના નાના ઉદ્યોગોને ઉત્તમ તક: જે.એમ બિસ્નોઈ
જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ રાજકોટના જે. એમ બીસનોઈએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઝિમ્બાબ્વેમાં વ્યાપાર કરવાની સૌથી ઉત્તમ તક સૌરાષ્ટ્ર કચ્છના નાના અને મધ્યમ ઉદ્યોગોને છે. તેના માટે હાલ એક તબક્કે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ બંને દેશોની સરકાર દ્વારા ફોલોઅપ બેઠક યોજાશે અને ત્યારબાદ બંને દેશો વચ્ચે વ્યાપારિક કરારો પણ કરવામાં આવશે. આ બેઠકમાં એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કે ભારત અને ઝિમ્બાબ્વે કઈ રીતે વ્યાપાર વૃદ્ધિ કરી શકશે અને ઝીમ્બાબ્વેવને કઈ ચીજ વસ્તુઓની જરૂરિયાત છે કે જે સૌરાષ્ટ્ર કચ્છ પૂરું પાડી શકે છે.