છેલ્લા 14 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોવાના કારણે વાવણી ફેઇલ થવાની દહેશત: હજી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ
ભેંસાણમાં 4ાા ઇંચ, પોરબંદરમાં 3ાા ઇંચ, મુંદ્રામાં 3ાા ઇંચ, અંજારમાં 3 ઇંચ, ભુજમાં 3 ઇંચ, વરસાદથી સર્વત્ર પાણી પાણી
સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત 14 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે હવે નુકશાનીની ભીતી ઉભી થવા પામી છે. વાવણી નિષ્ફળ જવાની દહેશત વચ્ચે ખેડુતો ફફડી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આજથી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સવારથી અનેક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે.
આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 157 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ સાડાચાર ઇચ સુધી વરસાદ પડયો હતો. જુનાગઢના ભેંસાણમાં સાડા ચાર ઇંચ, પોરબંદરમાં સાડા ત્રણ ઇંચ, મુદ્રામાં સાડા ત્રણ ઇંચ, અંજારમાં ત્રણ ઇંચ, ભુજમાં 3 ઇંચ, જેતપુરમાં ત્રણ ઇંચ, ધોરાજીમાં અઢી ઇંચ, માણાવદરમાં અઢી ઇંચ, નખત્રાણામાં અઢી ઇંચ, વિસાવદરમાં બે ઇંચ, કાલાવાડમાં બે ઇંચ, કોટડા સાંગાણીમાં પોણા બે ઇંચ, જામકંડોરણામાં પોણા બે ઇંચ, ગોંડલમાં દોઢ ઇંચ, પાલીતાણામાં દોઢ ઇંચ અને વડિયામાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો.
જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ છે. વરસાદને લઈને શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થવા પામ્યા છે. જેતપુર શહેરમાં પણ બે દિવસના વિરામ બાદ ફરી જેતપુરમાં મેઘરાજાની પધરામણી જોવા મળી હતી. બે દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ જેતપુરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. જ્યારે જેતપુર તાલુકાના પીઠડીયા, રબારીકા, જેતલસર, સાંકળી, ડેડરવા, પીપળવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો.
આજે સવારથી સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 14 દિવસથી અનરાધાર વરસાદના કારણે હવે નુકશાનીની ભીતિ સેવાય રહી છે. વાવણી નિષ્ફળ થવાની પણ દહેશત ખેડુતોને સતાવી રહી છે. ખેતરોમાં સતત પાણી ભરાયેલા હોવાના કારણે વાવણી કાર્ય બાદ ખેતી કામમાં મુશ્કેલી પડી રહી છે.
આજે સવારથી રાજયના 58 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ વાતાવરણ એક રસ છે.
રાજયમા આજ સુધીમાં સિઝનનો 36 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 94.90 ટકા, ઉતર ગુજરાતમાં 34.41 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 24.59 ટકા, સૌરાષ્ટ્રમાં 52.39 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 27.78 ટકા વરસાદ વરસી ગયો છે.
કચ્છમાં સિઝનનો 9પ ટકા વરસાદ વરસી ગયો
કચ્છમાં સાર્વત્રિક વરસાદ: મુંદ્રામાં સાડા ત્રણ, અંજાર અને ભૂજમાં 3 ઇંચ અને નખત્રાણામાં બે ઇંચ વરસાદ
સામાન્ય રીતે કચ્છમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે પરંતુ આ વર્ષ મેઘરાજા જાણે કચ્છ પર વધુ પડતા મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે. હજી તો ચોમાસાના વિધિવત આરંભને એક જ પખવાડિયું વિત્યું છે. ત્યાં કચ્છમાં સિઝનનો 95 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ગુરૂવારે કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડયો હતો. અબડાસામાં પ મીમી, અંજારમાં 79 મીમી, ભુજમાં 74 મીમી, લખપતમાં રર મીમી, માંડવીમાં ર4 મીમી, મુંદ્રામાં 86 મીમી, નખત્રાણામાં પ6 મીમી વરસાદ વરસી ગયો છે. કચ્છમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 464 મીમી વરસાદ પડે છે આજ સુધીમાં 440 મીમી વરસાદ વરસી ગયો છે. સિઝનનો 95 ટકા વરસાદ ખાબકી ગયો છે. હજી ચોમાસાની આખી સિઝન બાકી છે. કચ્છમાં લીલા દુષ્કાળની ભીતી ઉભી થવા પામી છે હજી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના આઠ સહિત 30 ડેમની જળ સપાટીમાં વધારો
ભાદરમાં નવુ અર્ધો ફૂટ પાણી આવતા ડેમની સપાટી 0.56 ફૂટે પહોંચી
સૌરાષ્ટ્રમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં માતબર પાણીની આવક થઇ રહી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના આઠ સહિત 30 ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. હજી સોમવાર સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 30 ડેમમાં પાણીની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવુ 0.56 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદર ડેમની સપાટી 20.20 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં 1631 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ફોફળ ડેમમાં 0.59 ફૂટ, આજી-2 ડેમમાં 1.21 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ, ન્યારી-2 ડેમમાં 0.16 ફૂટ, છાપરવાડી-1 ડેમમાં 3.28 ફૂટ, છાપરવાડી-2માં 0.66 ફૂટ અને માલગઢમાં 1.31 ફૂટ પાણીની આવક થવા પામી હતી. રાજકોટ જિલ્લાના જળાશયોમાં 48.79 ટકા પાણી સંગ્રહિત છે.
મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 3.18 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.13 ફૂટ, ડેમી-1માં 0.30 ફૂટ, જામનગર જિલ્લાના સસોઇ ડેમમાં 2.07 ફૂટ, પન્ના ડેમમાં 1.15 ફૂટ, ફૂલઝર ડેમમાં 1.25 ફૂટ, ફૂલઝર-2માં 1.80 ફૂટ, ઉંડ-3માં 1.57 ફૂટ, આજી-4માં 0.38 ફૂટ, ઉંડ-1માં 0.59 ફૂટ, વાડીસંગમાં 1.54 ફૂટ, રૂપાવટીમાં 3.61 ફૂટ અને સસોઇ-2 ડેમમાં 2.95 ફૂટ પાણીની આવક થવા પામી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 1.31 ફૂટ, વર્તુ-1 ડેમમાં 1.64 ફૂટ, વર્તુ-2 ડેમમાં 0.66 ફૂટ અને વેરાડી-2 ડેમમાં 0.98 ફૂટ પાણીની આવક થવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-1માં 3.02 ફૂટ, વાંસલમાં 0.33 ફૂટ, મોરસલમાં 0.98 ફૂટ, લીંબડી ભોગાવો-2માં 0.16 ફૂટ અને નિંભણી ડેમમાં નવું 1.97 ફૂટ પાણીની આવક થવા પામી છે.