ક્રાંતિ બેન્ડનાં કલાકારોએ દેશભક્તિના ગીતો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા: નેવલ ઓફિસર મનન ભટ્ટે સર્જિકલ સ્ટ્રાઈક અંગે વિગતો આપી
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનનાં ભારત પરત આગમનને વધાવવા તેમજ કશ્મીરના પૂલવામામાં સી.આર.પી.એફ.ના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પવા સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઢેબરભાઇ ચોક ખાતે જોશીલે જજ્બાત શીર્ષકથી યોજાયેલા આ કાર્યક્રમમાં ક્રાંતિ બેન્ડના ગાયકો-વાદકોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા ભારતીય નૌસેનાના અધિકારી મનન ભટ્ટે પૂલવામા હુમલા બાદની પરિસ્થિતી અને સર્જીકલ સ્ટ્રાઈક અંગે સરળ સમજૂતી આપી હતી. તેમણે વિંગ કમાન્ડર અભિનંદનની શૂરવીરતા, તેની અટક, આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ, છૂટકારો અને ભારતને સોંપણી વગેરે બાબતો અંગે પણ સુંદર છણાવટ કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધનમાં સૌરાષ્ટ્ર- કચ્છ ચેમ્બરના અધ્યક્ષ નલીન ઝવેરીએ આતંકવાદના મુકાબલામાં નાગરિકોની ભૂમિકા અને સરકારની નીતિ વગેરે બાબતો વણી લીધી હતી. યુધ્ધની દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંભવિત અસરો, અર્થતંત્રની તંદુરસ્તી, નાગરિકોનું કર્તવ્ય, શહીદોના પરિવારો પ્રત્યે ફરજ જેવી વાતો પણ શ્રી ઝવેરીએ પોતાના પ્રવચનમાં આવરી લીધી હતી.
લોકોમાં દેશભક્તિનો જુવાળ જળવાઈ રહે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હોવાનું તેમણે જણાવ્યુ હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રૂ. એકવીસ હજાર એકસો અગિયારની ધનરાશિ સૈનિક કલ્યાણ નિધિમાં આપવાની જાહેરાત તેમણે કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન જાણીતા કાર રેલીસ્ટ ભરત દવેને ઓગણત્રીસ રાજ્યોને આવરી લેતી યાત્રા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભે ફેનિલ મહેતા (સી.એ.)એ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરી હતી. જ્યારે આભારદર્શન ચેમ્બરના મંત્રી સંજય લાઠીયાએ કર્યું હતું.પૂલવામાના શહીદોને શ્રધ્ધાંજલિ બાદ રૂચિર જાની અને આદિત્ય જાની પ્રસ્તુત ક્રાંતિ બેન્ડ દ્વારા દેશભક્તિનાં લોકપ્રિય ગીતોની રજૂઆતે સહુને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં તેમજ દેશભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો.