બુધવારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગુરૂવારે દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ પડશે

આ વર્ષ શિયાળાની સિઝનમાં ઠંડી કરતા જાણે માવઠા વધુ પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઠંડી બરાબર જમાવટ કરે ત્યાં માવઠુ વાતાવરણ અસ્થિર કરી નાંખે છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરતળે આગામી બુધવાર અને ગુરૂવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ફરી કમૌસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર પાવરફૂલ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સર્જાંયુ છે. જેની અસરતળે ઉત્તર-પશ્ર્ચિમના રાજ્યોમાં આગામી બુધવાર તથા ગુરૂવાર કમૌસમી વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે. આવતીકાલે મંગળવારે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે અને આકાશમાં વાદળોને જમાવડો જોવા મળશે. બુધવારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે ગુરૂવારના રોજ ઉત્તર ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો, પોરબંદર જિલ્લો, જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો અને કચ્છ જિલ્લામાં કમૌસમી વરસાદ પડશે.

દરમિયાન 5 અને 6 જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતના રાજ્યમાં બરફ વર્ષા થશે, જેની અસર 8 અને 9 જાન્યુઆરીથી ગુજરાતમાં જોવા મળશે અને રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે.

અમરેલીમાં ભૂકંપના ચાર આંચકા

છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં ભૂકંપના ચાર આંચકા આવતા લોકો ભયભીત થઈ ગયા છે. સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 10:47 કલાકે અમરેલીથી 39 કિમિ દૂર 1.4ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ 8.2 કિમિની હતી.

ત્યારબાદ બપોરે 11 કલાકે અમરેલીથી 36 કિમી દૂર 1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ જમીનથી 6 કિમિની હતી. બપોરે 12:18 કલાકે અમરેલીથી 41 કિમી દૂર 1.1ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.

જેની ઉંડાઇ 5.5 કિમિની હતી. બપોરે 2.19 કલાકે અમરેલીથી 41 કિમિ દૂર 1.7ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 9.3 કિમીની હતી. જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.