રહેણાંક અને ઈન્ડસ્ટ્રીયલ કનેકશનોને નહિવત અસર, 67 ટીસી બંધ: પીજીવીસીએલના કર્મચારીઓ સમારકામમાં ખડેપગે
સૌરાષ્ટ્ર-કચ્છમાં વાયુ વાવાઝોડાની અસરના પગલે વરસાદ અને ભારે પવન ફૂંકાતા 379 ખેતીવાડી ફિડર બંધ થઈ જવા પામ્યા છે. ઉપરાંત 753 વીજ પોલ જમીન દોસ્ત થઈ ગયા છે. સાથે 67 ટીસી પણ બંધ થઈ ગયા છે. જો કે, રહેણાંક અને ઈન્ડસ્ટ્રીયલ કનેકશનને નહીંવત અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ખેતીવાડી ફિડરોમાં જ વધુ ખરાબી થઈ છે જેનું સમારકામ કરવા પીજીવીસીએલના કર્મચારીઓ સતત ખડેપગે રહ્યાં છે.
વાયુ વાવાઝોડાની અસરથી છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ઉપરાંત છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો છે. ખાસ કરીને ખેતીવાડી ફિડરોમાં ભારે નુકશાન પહોંચ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 379 ખેતીવાડી ફિડરો હાલ બંધ હાલતમાં છે જેમાં રાજકોટ રૂરલના 17, મોરબીના 8, પોરબંદરના 41, જૂનાગઢના 160, જામનગરના 73, અંજારમાં 1, ભાવનગરમાં 7, બોટાદમાં 9, અમરેલીમાં 49 અને સુરેન્દ્રનગરમાં 14 ખેતીવાડી ફિડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના 67 ટીસી બંધ થઈ ગયા છે જેમાં મોરબીમાં 1, પોરબંદરમાં 14, જૂનાગઢમાં 40, જામનગરમાં 3, ભાવનગરમાં 1, બોટાદમાં 1, અમરેલીમાં 6 અને સુરેન્દ્રનગરમાં 1 ટીસી બંધ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત 753 વીજપોલ ધરાશાયી થઈ ગયા છે જેમાં રાજકોટ રૂરલમાં 10, મોરબીમાં 4, પોરબંદરમાં 237, જૂનાગઢમાં 176, જામનગરમાં 114, ભાવનગરમાં 43, બોટાદમાં 8, અમરેલીમાં 115 અને સુરેન્દ્રનગરમાં 46 વીજ પોલ જમીન દોસ્ત થયા છે. હાલ રહેણાંક અને ઈન્ડસ્ટ્રીયલ કનેકશનોને નહીંવત અસર પહોંચી હોવાનું પીજીવીસીએલ તંત્ર દ્વારા જણાવાયું છે. મોટાભાગે ખેતીવાડી ફિડરોને અસર પહોંચી છે. જેનું સમારકામ કરવા હાલ પીજીવીસીએલના કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહ્યાં છે.