લઘુત્તમ તાપમાનનો પારો સહજ ઉંચકાયો છતાં ઠંડાગાર પવનોના કારણે ઠુંઠવાતું જનજીવન: નલીયા ૭.૧, અમરેલી ૧૦.૪ અને રાજકોટ ૧૧.૫ ડિગ્રી સેલ્શીયસ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડીનો કહેર યથાવત રહેવા પામ્યો છે. આજે રાજયમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સહેજ ઉંચકાયો હતો જોકે ઠંડાગાર પવનોના સુસવાટા યથાવત રહેવાના કારણે જનજીવનકાતિલ ઠંડીમાં રીતસર ઠુંઠવાઈ ગયું હતું. સૌરાષ્ટ્રભરમાં બરફીલા ઠારનો અહેસાસ લોકોએ કર્યો હતો. ઉતર ભારતના રાજયોમાં સતત બરફ વર્ષા ચાલુ હોવાના કારણે આખુ સપ્તાહ રાજયમાં ઠંડીનું જોર યથાવત રહે તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૧.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલની સરખામણીએ આજે પારો એકાદ ડિગ્રી સુધી ઉંચકાયો હતો છતાં કાતિલ સુસવાટા મારતા પવનોના કારણે ઠંડીનું જોર યથાવત રહેવા પામ્યું હતું. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૯ ટકા સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૧૪ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. ગઈકાલનું મહતમ તાપમાન ૨૪.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. આજે શહેરમાં પ્રતિકલાક ૧૨ કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા તાપમાનનો પારો ઉંચકાયો હોવા છતાં લોકો ગઈકાલની સરખામણીએ આજે વધુ ઠંડીનો અહેસાસ કરતા હતા. છેલ્લા બે માસથી સતત ઠંડીનો માહોલ હોય લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે ઉતર ભારતના રાજયોમાં રેકોર્ડબ્રેક બરફ વર્ષા હજુ પણ ચાલુ હોવાના કારણે આગામી સપ્તાહમાં ઠંડીનું જોર ઘટે તેવી કોઈ જ સંભાવના નથી. બરફીલા પવનના કારણે ઠારનો અનુભવ થઈ રહ્યો છે.
કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન આજે ૭.૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. નલીયામાં છેલ્લા ઘણા દિવસથી તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં હોવાના કારણે નલીયાવાસીઓ ગાત્રો થ્રીજાવતી કાતિલ ઠંડીથી ત્રાહિમામ પોકારી ગયા છે. નલીયામાં આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૫ ટકા અને પવનની સરેરાશ ઝડપ પ્રતિ કલાક ૬ કિલોમીટર રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૨૬.૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. જુનાગઢમાં આજે લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. મહતમ તાપમાન ૧૩.૮ ડિગ્રી નોંધાયું હતું. લઘુતમ અને મહતમ તાપમાન વચ્ચે બે ડિગ્રી પણ ઓછું અંતર હોવાના કારણે સોરઠવાસીઓ દિવસભર ધ્રુજી રહ્યા છે અહીં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬.૯ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. ગીરનાર પર્વત પર આજે તાપમાનનો પારો ૭ ડિગ્રી સુધી નીચો જતાં યાત્રિકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ ગયા હતા. અમરેલીમાં પણ આજે ઠંડીનું જોર યથાવત રહેવા પામ્યું હતું. અમરેલીનું લઘુતમ તાપમાન આજે ૧૦.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૯.૪ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર હજી ઉતર ભારતના રાજયમાં સતત બરફવર્ષા ચાલુ હોવાના કારણે રાજયભરમાં આગામી એક સપ્તાહ સુધી ઠંડીનું જોર યથાવત રહે તેવી સંભાવના રહેલી છે. આવતા સપ્તાહથી ઠંડીમાં ઘટાડો થશે અને ક્રમશ: શિયાળાની સીઝન વિદાય લેશે.